21મી સદીના આ નર્મદા જિલ્લાના 60 જેટલા ગામો હજુ પણ મોબાઇલ ટાવર વિના પાષાણયુગમાં જીવન નિર્વાહન કરી રહ્યા છે
સરકારે બધી કામગીરી ઓનલાઇન કરી પણ કનેક્ટિવિટીનો વ્યાપક અભાવ

નર્મદા જિલ્લો જંગલોથી ઘેરાયેલો છે ત્યારે 60થી વધારે ગામો મોબાઇલ ટાવરની સુવિધા વિના પાષાણયુગમાં હોવાનું લાગી રહયું છે. વર્તમાન સમયમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે ત્યારે કનેકટીવીટી વિના આ ગામોના લોકો ભારે હાલાકી વેઠી રહયાં છે. નર્મદા જિલ્લામાં પહેલા 100 થી વધુ ગામો શેડો એરિયામાં આવતા હતા કે જ્યાં કનેક્ટિવિટીનો અભાવ હતો જોકે નવા નવા ટાવરો ઉભા થતા હાલમાં 50 થી 60 જેટલા અંતરિયાળ ગામોમાં હજુ પણ કનેક્ટિવિટીનો અભાવ છે ત્યારે આજના ડીઝીટલ યુગમાં ડિજિટિલાઇઝેશન કામગીરી માટે ખુબ તકલીફ પડતી હોય છે ત્યારે જે ગામોમાં કનેક્ટિવિટીનો અભાવ છે તેવા ગામોમાં મોબાઈલ ટાવરો નાખવા ગ્રામજનોએ તંત્ર અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. નાંદોદ તાલુકાના પ્રતાપપરા, રામપરા, વીરસીંગપરા, અમરપરા, મલાવ આમ પાંચ ગામોમાં મોબાઈલ નેટવર્કનો આભાવ છે. બોરીદ્રા, અમલી ,ઢોચકી સહિતના ગામોમાં પણ અમુક જગ્યાએ નેટવર્ક આવે પણ ઉંચાઈ વાળી જગ્યાએ જવું પડે છે. કનેક્ટિવિટી વગર ખુબ મુશ્કેલી પડતી હોય જેમાં ખાસ કરીને શિક્ષણ વિભાગમાં હવે હાજરીથી લઈને મોટાભાગનું કામ ઓનલાઇન થઇ ગયું છે. આરોગ્ય વિભાગમાં પણ ડેટા એન્ટ્રીઓ ઓનલાઇન થઇ ગઈ છે. મની ટ્રાન્સફર, સરકારી યોજનાઓ, ગામમાં ઈધરા કેન્દ્ર પર જરૂરી દાખલા લેવા હોય તેમજ ધંધા રોજગાર જેવી તમામ બાબતોમાં આ ગામના લોકોને મોબાઈલ નેટવર્ક ન આવવાને કારણે આ બધી સુવિધાઓ મળી શકતી નથી, જેથી સ્થાનિક લોકો એ નવા મોબાઈલ ટાવર નંખાવા માટે માંગ કરી છે.




