ધારીખેડામાં સુગરમાંથી સભ્યને હટાવી લેવાના નિર્ણય સામે સાંસદને મનદુઃખ

નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના કસ્ટોડિયન કમિટીના સભ્ય તરીકે સરકારે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ડિસ્ટ્રીકટ સુનિલ પટેલની નિમણુક કરી હતી.ગણતરીના દિવસોમાં જ એમની કસ્ટોડિયન તરીકે નિમણુક રદ કરતા ખુદ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સખત નારાજગી દર્શાવી છે.સરકારે 5ઓગષ્ટ ના રોજ નિમણૂક કરી અને 13 સપ્ટેમ્બરના રોજ નિમણુક રદ કરતા જિલ્લાના સહકારી રાજકારણમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સાંસદે નારાજગી દર્શાવતા જણાવ્યું છે કે સુનિલ પટેલને ડિરેક્ટર તરીકે કોઈ પણ કારણ વગર હટાવી દીધા એ યોગ્ય નથી, અને જે વ્યક્તિએ પાર્ટી વિરુધ્ધનું કામ કર્યું છે અને ભ્રષ્ટાચારી તરીકે છાપ ધરાવે છે જે નજીકના 2-3 વર્ષથી ભાજપમાં આવ્યાં છે તેવા વ્યક્તિને ભરૂચ દૂધ ધારા ડેરીમાં નિમણુંક આપવામાં આવે છે જે ખરેખર તો અયોગ્ય છે.ખરેખર તો ઝઘડિયા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેથી આદિવાસી આગેવાનની ડિરેક્ટર તરીકે નિમણૂક કરવી જોઈતી હતી.આ બાબતે જિલ્લાનાં ઘણાં બધા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી છે. જેને લઈને આવનારા દિવસોમાં પ્રદેશ નેતૃત્વને હું સંપૂર્ણ રીતે માહિતગાર કરી હળહળતા અન્યાય બાબતે ધ્યાન દોરીશ.હાલનાં તબક્કે મારો આ વિષયને લઈને સખત વિરોધ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભરૂચ દુધધારા ડેરીના ડિરેક્ટર તરીકે બીટીપી માંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈની બિનહરીફ વરણી થઈ હતી, ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાનો આ ઈશારો એમની તરફ હોવો જોઈએ એવી ચર્ચાઓ થઈ રહી છે.




