ડાંગમાં સુબિર ખાતે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

સુબિર સ્થિત નવજ્યોત સ્કૂલના પટાંગણમાં ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર બી.બી. ચૌધરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં દેશના સ્વતંત્રતા સેનાનીઓ, શહીદો અને સશસ્ત્ર દળોના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ડાંગ જિલ્લાએ છેલ્લા વર્ષમાં ત્રણ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે. મહેસૂલ વિભાગને ઉત્કૃષ્ટ સેવાઓ માટે ‘ભૂમિ એવોર્ડ’, ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ અને પોલીસ વિભાગને ‘દેવી પ્રોજેક્ટ’ માટે ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયા છે.
કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, પ્રાંત અધિકારી કાજલ આંબલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિજયભાઈ ખાંભુ, અસ્મિતાબેન રાઠોડ અને હિતેષભાઇ સોલ્યાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.



