સોનગઢના હિંદલા ગામે તાપી જિલ્લા પંચાયત સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સમયસર દવા આપવામાં ન આવતી હોવાની ફરિયાદ
હિંદલા સીએચસીમાં દવા આપનાર કર્મચારી ગાયબ થતાં દર્દીઓ વીલા મોઢે પાછા ફર્યા

સોનગઢના હિંદલા ગામે તાપી જિલ્લા પંચાયત સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સમયસર દવા આપવામાં ન આવતી હોવાની ફરિયાદ ઉભી થઇ છે.સોમવારે બપોરે પણ આ કેન્દ્રમાંથી 15 જેટલાં દર્દીઓ હાથમાં દવાની ચબરખી લઈ એકાદ કલાક ઉભા રહ્યા બાદ દવા લીધા વિના વીલા મોઢે પાછા વળી ગયાં હતાં. સોનગઢ તાલુકાના જંગલ વિસ્તાર એવાં હિંદલા ગામે આરોગ્ય વિભાગે મોટા ઉપાડે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો શરૂ કરી દીધું પણ આ કેન્દ્રમાં જરૂરી સ્ટાફ અને ડૉક્ટરો ઉપલબ્ધ નથી. એ સાથે જ અહીં ફરજ બજાવતો સ્ટાફ પણ દર્દીઓ સાથે સારું વર્તન ન કરતાં હોવાની વાત સાંભળવા મળી છે. એ સાથે જ અહીં ફરજ બજાવતા સ્ટાફ મનમાની રીતે પોતાની ફરજ બજાવે છે એવી પણ ફરિયાદ ઉભી થઇ હતી.
હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ગામડામાં ખાંસી, શરદી અને તાવ અંગેના દર્દીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. હિંદલા ગામ અને તેનીઆસપાસના આઠથી દસ ગામના લોકો હિંદલા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે અને દવા લેવા માટે આવતાં હોય છે. સોમવારે બપોર પછી ગામ અને તેની આસપાસના અંદાજિત 15 જેટલાં દર્દીને કેન્દ્રના ડૉક્ટરે તપાસી બારીમાંથી દવા લેવાની સૂચના આપી હતી.
આ દર્દી અને તેમનાં સગા દવાની બારી પાસે દવા લેવા ગયા ત્યારે ત્યાં કોઈ કર્મચારી ઉપસ્થિત ન હતા. થોડી વાર બારી પર ઉભા રહી બાદમાં દવા આપનાર કર્મચારીને દર્દીના સગા શોધવા નીકળ્યાં પણ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. આ સંદર્ભે કેન્દ્રના અન્ય કર્મચારીઓ પણ દર્દીઓને યોગ્ય સલાહ આપતાં ન હતાં. આખરે કેન્દ્રમાં એકાદ કલાકની રઝળપાટ બાદ તમામ દર્દી અને તેમનાં સગા દવા લીધા વિના પાછા ફરી ગયાં હતાં.
આમ ખરેખર હાલ ચોતરફ ચોમાસાના કારણે રોગચાળાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આરોગ્ય કેન્દ્ર પર દવા લેવા માટે આવેલા દર્દીઓ ને દવા ન મળે એ કેટલે અંશે યોગ્ય છે. આ સંદર્ભે સોનગઢ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.હેતલ સાદડીવાળાને પૂછતાં તેમણે જણાવ્યું કે કેન્દ્રમાં દવા આપનાર કર્મચારી કોઈ ક ઇમરજન્સી કામે ગયાં હતાં જેથી તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આવવામાં મોડું થયું હતું અને દર્દીઓ દવા વિના ચાલી ગયાં હતાં. કર્મચારી ક્યાં ઇમરજન્સી કામ માટે બહાર ગયા હતાં એવો પ્રશ્ન પૂછવામાં આવતાં આરોગ્ય અધિકારી એ કહ્યું કે એ મને ખબર નથી. આમ આ જવાબ દ્વારા આરોગ્ય વિભાગ માત્ર લુલો બચાવ કરી કર્મચારીની ભૂલ ને છાવરી રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. જરૂરિયાતના સમયે દવા ન મળતા અંતે દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો હતો.
મેડમ ઘરે ગયા છે સાંજે છ કલાકે બીજા કર્મચારી આવશે ત્યારે દવા મળશે મને આજે તાવ આવતો હોવાથી સારવાર અર્થે હિંદલા ખાતેની રેફરલ હોસ્પિટલમાં ગયો હતો. ફરજ પરના ડૉકટરે તપાસી મને દવા લખી આપી પણ દવા આપવા માટે કોઈ કર્મચારી દવા બારી પાસે ઉપસ્થિત ન હતાં. આ સમયે મારી સાથે અન્ય પણ તેર ચૌદ દર્દીઓ દવા લેવા માટે ઉભા હતાં. બારી પર એકાદ કલાક ઉભા રહ્યાં બાદ તપાસ કરતાં કેન્દ્રના એક કર્મચારીએ જવાબ આપ્યો કે દવા આપવા વાળા મેડમ ઘરે જતાં રહ્યાં છે. હવે સાંજે છ વાગ્યે અન્ય કર્મચારી આવશે ત્યારે તમને દવા મળશે. ફિલિપ ગામીત, દવા લેવા જનાર દર્દી




