નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ અને તુવેરદાળના જથ્થામાં 50 ટકા જેવો કાપ મૂકાતા કાર્ડધારકો અને સંચાલકો આમને-સામને

નર્મદા જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોટી સંખ્યામાં હોવા છતાં વારંવાર આ જિલ્લામાં રેશનકાર્ડ પર મળતા અનાજના જથ્થામાં કાપ મૂકાતા કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે તકરાર થાય છે.
આ નવેમ્બર મહિનામાં પણ ખાંડ અને તુવેરદાળના જથ્થામાં 50 ટકા જેવો કાપ મૂકાતા કાર્ડ ધરાવતા અડધા ગ્રાહકો ને વસ્તુઓ નહિ મળે તો દુકાનદારો સાથે માથાકૂટ થાય એ સ્વાભાવિક છે. જિલ્લામાં આદિવાસી ખેત મજૂરી કરી જીવન જીવતા પરિવારોની મોટી સંખ્યા છે. અને આવા પરિવારો રેશનકાર્ડ પર મળતા અનાજ પર જ પોતાના પરિવાર નું પેટ ભરતા હોય છે. છતાં વારંવાર આમ અનાજ ઓછું મળતા આ પરિવારો ને બે ટાઇમ ભોજન કરવું મુશ્કેલ બને છે. આ મહિને દુકાનો પર આવેલા ઘઉં માં મોટાભાગના ઘઉં માં કિલ્લા (જીવાત) વધુ પ્રમાણ માં જોવા મળતા ગ્રાહકો દુકાનદાર સાથે માથાકૂટ કરતા હોય છે પરંતુ ઉપર થી આવા ખરાબ ઘઉં આવતા દુકાનદારો પણ શું કરે? નિગમ આવા ખરાબ ઘઉં કેમ સપ્લાય કરે છે? અને આ ઘઉં લેબ ટેસ્ટમાં પાસ કંઈ રીતે થાય છે? તેવા સવાલ ના જવાબ કોઈ પાસે નથી.
પરંતુ કાર્ડ ધરાવતા લોકો પર મહેરબાન બનતી સરકાર આવી અગત્યની બાબતો પર ખાસ ધ્યાન આપે એ જરૂરી છે. એક તરફ સરકાર ઘઉં અને ચોખા મફત આપી કાર્ડ ધરાવતા ગ્રાહકો પર ઉપકાર કરતી હોય એમ મોટી જાહેરાતો કરી પ્રસિધ્ધિ મેળવે છે, ત્યારે બીજી બાજુ બજાર માં મોંઘી મળતી ખાંડ અને તુવેરદાળ જેવી વસ્તુઓમાં કાપ મૂકતાં ગરીબ પરિવારો માટે આ કારમી મોંઘવારીમાં આવી વસ્તુ ખરીદવી મુશ્કેલ બને છે.
ઓછો જથ્થો આવતાં ખાંડ ઓછી ફળવાઇ ગયા મહિને તુવેરદાળ મોડી આપી હતી માટે હજુ દુકાનદારો પાસે એ જથ્થો પડેલો છે માટે ઓછો અપાશે. જ્યારે ખાંડમાં ઉપરથી 50 ટકા કાપ આવ્યો છે માટે આ મહિને ખાંડનો 50 ટકા જથ્થો જ ફાળવવામાં આવશે. > રૂદ્રદત્તસિંહ પરમાર, નાયબ પુરવઠા મામલતદાર, નાંદોદ.
તુવેરદાળમાં મૂકાયેલાં કાપને લઇને વેપારીઓ નારાજ દેડીયાપાડા સહિત અન્ય તાલુકામાં ગયા મહિને તુવેરદાળ અપાઈ જ નથી તેમ છતાં આ મહિને 50 ટકા દાળમાં કાપ મુકાયો છે એ કંઈ રીતે યોગ્ય છે? જે તાલુકાઓમાં ગયા મહિને દાળ ફળવાય જ નથી ત્યાં કાપ કેમ મુકાયો અને દાળ ઓછી આપતા ગ્રાહકોને કઈ રીતે વિતરણ કરાશે, તેવો રોષ દુકાનદારો વ્યક્ત કરી રહ્યાં છે!




