Crime in Songdh: સોનગઢમાં ભાડુ ન ચૂકવનાર દંપતીએ માલિકને મારી નાંખવાની ધમકી આપી

સોનગઢમાં એક દૂરના સંબંધીને પોતાની માલિકીનો ફ્લેટ ભાડે રહેવા આપ્યાં બાદ આ સંબંધી દંપતીએ ફ્લેટનું ભાડું પણ ન આપી ફ્લેટ માલિકને જાનથી મારી નાંખવા ધમકી આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
આ અંગે મળેલી વિગત મુજબ સોનગઢના સુંદર નગરમાં રહેતાં ઇનુસ મુનાફભાઈ પટેલ સીપીએમ મિલમાં ખાનગી નોકરી કરે છે અને નયનદીપ કૉમ્પ્લેક્સમાં તેમની માલિકીનો ફ્લેટ નંબર 309 આવેલો છે. સન 2019ના વર્ષમાં આ ફ્લેટ તેમણે 3000 રૂપિયા પ્રતિ માસના ભાડાના નક્કી કરી તેમના દૂરના સગા એવાં રમઝાન પટેલને ભાડે આપ્યો હતો. જે તે સમયે ડિપોઝીટ પેટે રમઝાને ₹.5000 રૂપિયા આપ્યાં હતાં. ફ્લેટ ભાડે લીધાં બાદ થોડો સમય તો રમઝાન અને તેમનાં પત્ની સમીના ઉર્ફે મુન્ની બહેન રમઝાન પટેલે નિયમિત ભાડું આપ્યું હતું પણ એ પછી તેઓ કોઈ ને કોઈ બહાના હેઠળ ભાડુ આપતાં ન હતાં. ફ્લેટ માલિક ઇનુસ ભાઈએ ભાડુ ન આપવું હોય તો મારો ફ્લેટ ખાલી કરી આપો એમ કહેતાં ભાડુઆત દંપતી તેમની સાથે ઝઘડો કરતું હતું. એ સાથે જ ભાડુઆત તેમને કહેતાં કે આ ફ્લેટ તમે ભૂલી જાવો અમે તમને બે લાખ રૂપિયા ડિપોઝીટ આપી છે તે અમને પરત આપો એમ કહી ગાળા ગાળી કરતાં હતાં. એ સાથે જ ભાડુઆત દંપતી ફરિયાદી વિરુદ્ધ પોલીસમાં અને કોર્ટમાં ખોટી ખોટી અરજી કરી તેમને હેરાન કરતાં હતા. ગત પાંચમી ઓક્ટોબરના દિવસે ફરિયાદી ઇનુસભાઈ અને તેમનાં પત્ની પોતાના ફ્લેટ પર ગયાં હતાં અને ભાડુ ન આપતાં રમઝાનભાઈની ઘર વખરી બહાર કાઢી ફ્લેટના દરવાજે પોતાનું તાળું મારી દીધું હતું. જો કે રાત્રીના સમયે સમીના ઉર્ફે મુન્ની બહેન અને રમઝાન પટેલે ફ્લેટના દરવાજાનું તાળું તોડી ફ્લેટનો ગેરકાયદે કબ્જે કરી લીધો હતો. આ બાબતે ફરિયાદી તેમને કહેવા જતાં આરોપી દંપતીએ કહ્યું કે ફ્લેટ ભૂલી જાવો હવે ફરી વખત આ તરફ દેખાયા તો તમને અમે જાનથી મારી નાખીશું. ફ્લેટના કબ્જા બાબતનો ઝઘડો પોલીસ મથકે પહોંચતા પોલીસે સમીનાબહેન અને તેમનાં પતિ રમઝાન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.




