વિરોધપક્ષના નેતા અમિત ચાવડાની હાજરીમાં સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નોની સુનાવણી માટે જનમંચ કાર્યક્રમમાં તાપી જિલ્લામાં ભાજપના પ્રભારી મંત્રીના નિકટનાને જ કોન્ટ્રાક્ટ મળતો હોવાનો આક્ષેપ

કોંગ્રેસ પાર્ટીના આગેવાન અને વિરોધપક્ષના નેતા અમિત ચાવડાની હાજરીમાં સોનગઢ ખાતે કોંગ્રેસ દ્વારા જનતાના પ્રશ્નોની સુનાવણી માટે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોનગઢ સહિત તાપી જિલ્લામાંથી પોતાનાં પ્રશ્નો સાથે અરજદારો ઉમટી પડ્યા હતાં.
કાર્યક્રમના આરંભમાં સોનગઢ પાલિકાના નિવૃત કર્મચારી જાવેદભાઈએ પ્રશ્ન રજૂ કરતાં જણાવ્યું કે પાલિકા માંથી વય મર્યાદાના કારણે નિવૃત થયાં બાદ પેન્શન સહિતના પ્રશ્નો હજી ઉકેલાયા નથી. રતનભાઈ ભરવાડે કહ્યું કે ઉકાઈ વિસ્તારમાં લારી ગલ્લા વાળા ને લાઈટ કનેક્શન અપાયા નથી. વિજય ગામિતે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે સરકાર દ્વારા માંડવી સુગર વેચી નાખી છે. એ સાથે વ્યારા સુગર દ્વારા શેરડીનો ત્રીજો હપ્તો ચૂકવાયો નથી એ પ્રશ્ન મૂક્યો હતો. નીતિન ગામિતે કહ્યું કે ડોસવાડાનો સૂચિત વેદાંતા પ્રોજેક્ટ માત્ર સ્થગિત કરાયો છે જેને રદ કરવો જોઈએ. જબ્બાર પઠાણે પોતાની રજુઆત કરતાં જણાવ્યું કે પાલિકા દ્વારા વોર્ડ છ ના વિકાસ કામોમાં ભેદભાવ થાય છે અને લારી ગલ્લા વાળા પાસે તોતિંગ ફી લેવાઇ છે. તેમણે સોનગઢ માં ભૂતકાળમાં બનાવેલ ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું. ગુણસદાના કમલેશ ગામિતે કહ્યું કે અમારા ગામમાં શાળાના ઓરડા બિસમાર છે અને પુરાવા હોવા છતાં જંગલ જમીન ફાળવાતી નથી . રાજુ પ્રજાપતિ એ કહ્યું કે ખેતીની જમીનને ઓનલાઈન કરતી વખતે કેટલાંય ગોટાળા કરાયા છે જે સુધારવામાં નથી આવતાં. યાકુબભાઈ ગામિતે પ્રશ્ન મૂક્યો કે મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગુજરાતમાં કાયમી રહેવા આવેલા લોકોને જાતિનો દાખલો અપાતો નથી. જયુ શિંદેએ રજૂઆત કરી કે સાપુતારા હાઇવે ગામમાંથી પસાર થાય છે ત્યારે તેનું માર્જિન ઘટાડવું જરૂરી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગી અગ્રણી આનંદ ચૌધરીએ કહ્યું કે ભાજપ સરકાર લોકોના અવાજને દબાવવા માટેનું કાર્ય કરી રહી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા એ કહ્યું કે રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ સાબિત થઈ છે લોકો પાસે પ્રશ્નોની ભરમાર છે પણ કોઈ સાંભળતું નથી. આ જનમંચના માધ્યમથી મળેલા તમામ પ્રશ્નો હું સરકારમાં રજુઆત કરીશ અને વિધાનસભામાં પણ ઉઠાવીશ. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે મને રજૂઆત મળી છે કે વ્યારાના સ્થાનિક ધારાસભ્યને ગણવામાં નથી આવતાં અને તાપીમાં ભાજપ પ્રભારી મંત્રીના નિકટના લોકોને જ કોન્ટ્રાક્ટ મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને જાહેર જનતા ઉપસ્થિત રહ્યા હતાં.




