કામરેજ 

કામરેજમાં લોક માંગને ધ્યાને લઇ ગ્રામસભા આયોજન કરી મહાનગર પાલિકામાં સમાવેશ બાબતનો ઠરાવ કરવાની પ્રક્રિયા થઈ

2 જી ઓકટોબર બુધવારે ભાર્ગવ વાડી ખાતે કામરેજ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરપંચ કિંજલબેન શાહ, તલાટી બાબુભાઈ ચેનવા,ગ્રામ પંચાયત સભ્યો તેમજ વિસ્તરણ અધિકારી બળવંતભાઈ મૈસુરિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં આજુબાજુની સોસાયટીના રહીશો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.ગ્રામ સભામાં હોબાળાના એંધાણને કામરેજ પીએસઆઈ એ.જે દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ ભાર્ગવવાડી ખાતે હાજર રહ્યો હતો.

બીજી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે સભાની શરૂઆત પૂર્વે તલાટી બાબુભાઈ દ્વારા ગ્રામ સભામાં હાજર તમામને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. હાજર ગ્રામ જનોને વિવિધ યોજનાકીય સહિત કામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ હાજર ગ્રામજનો દ્વારા સમસ્યાની સીધી રજૂઆતો કરી હતી. જેના ઉકેલ માટે હોદ્દેદારો દ્વારા સાનુકૂળ પ્રતિસાદ આપવા માં આવ્યો હતો. કામરેજ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ અલગ અલગ સોસાયટીના પ્રમુખો તેમજ હોદ્દેદારો દ્વારા અંદાજિત 30 જેટલા લેટર પેડ પર કામરેજને મહાનગર પાલિકામાં સમાવેશ માટેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન શાહ દ્વારા પણ જે અંગે સાનુકૂળ પ્રતિસાદ આપતા તેઓની રજૂઆતને લઈ કામરેજ ગ્રામ પંચાયતને મહાનગર પાલિકામાં સમાવેશ બાબતેનો ઠરાવ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આયોજિત ગ્રામસભા અંતે શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related Articles

Back to top button