તાપી જિલ્લાના વ્યારા-સોનગઢ તાલુકામાં 14 કલાક માટે ભારત બંધ

ભારત બંધનું તાપી જિલ્લાના વ્યારા-સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો. ક્રીમીલેયરની અંદર ક્વોટા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં, ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યુ હતું. નેશનલ કૉન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માગ કરી હતી. જેને લઇને તાપી જિલ્લાના વડા મથક વ્યારા-સોનગઢ તાલુકામાં લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા.
ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવી આજે ભારત બંધનું એલાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ, અને ક્રીમીલેયર દાખલ કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેનો વિરોધ ST-SC સેલના કેટલાક લોકો દ્વારા નોંધાવી વિરોધ વ્યક્ત કરાયો હતો અને આજે ભારત બંધનું એલાન કર્યું હતું. જેને લઈ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં પણ બંધ જોવા મળ્યું હતું.
કઈ સેવાઓને અસર થશે નહીં
ભારત બંધ દરમિયાન હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી જેવી આવશ્યક સેવાઓ સામાન્ય રીતે ચાલશે. સરકારી કચેરીઓ, પેટ્રોલ પંપ, શાળા-કોલેજ અને બેંકો પણ ખુલ્લી રહી શકશે. જાહેર પરિવહન અને રેલ સેવાઓ પણ ચાલુ રહેશે. જોકે, બંધને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે સમાન્ય માણસને જીવન જરૂરિયાતની ચીઝ વસ્તુઓ પર અસર થઈ શકે છે.



