નર્મદારાજનીતિ

સાગબારા તાલુકાના 19 ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્યના કાર્યકરો દ્વારા પંચાયતના કામોમાં દખલગીરી અને ધમકીઓ આપવાના આરોપો સાથે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત કરી

સાગબારા તાલુકાના 19 ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્યના કાર્યકરો દ્વારા પંચાયતના કામોમાં દખલગીરી અને ધમકીઓ આપવાના આરોપો સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં સરપંચોએ દાવો કર્યો છે કે “ધારાસભ્યના કાર્યકરો ગ્રામ પંચાયતના કામકાજમાં અનાવશ્યક દખલ કરી રહ્યા છે અને સરપંચોને ધમકીઓ આપી રહ્યા છે. સરપંચોએ આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્યના કાર્યકરો મનસ્વી રીતે કામો કરે છે અને વિરોધ કરનારને ધમકી આપે છે.”

ઘટનાક્રમ- 1

સરપંચોએ જણાવ્યું છે કે આવી દખલગીરીના કારણે ગ્રામ પંચાયતના વિકાસાત્મક કામોમાં વિલંબ થઈ રહ્યો છે અને સ્થાનિક લોકોને અસુવિધા થઈ રહી છે. સરકારી નિયમ મુજબ 5 લાખ રૂપિયાથી નીચેના વિકાસના કામો ગ્રામ પંચાયતને ફાળવવાના હોય છે. પરંતુ ધારાસભ્યના કાર્યકરો આ કામો પોતે જ કરવા દબાણ કરે છે. તેઓ સરપંચો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે કામો કરે છે. કાર્યકરો અજાણ્યા કામોની કબજા રસીદ અને બિલો માટે દબાણ કરે છે. જો સરપંચો ના પાડે તો તેમને ધારાસભ્યની ધમકી અને RTI કરવાની ધમકી આપવામાં આવે છે. સરપંચોએ માંગણી કરી છે કે, 5 લાખથી નીચેના કામોની વહીવટી મંજૂરી અને વર્ક ઓર્ડર સીધા ગ્રામપંચાયતને મળે. તેમણે વચેટિયાઓની દખલગીરી અને ધમકીઓ બંધ કરવાની માંગ કરી છે. તેમણે આ મામલે તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

જિલ્લા વિકાસ અધિકારીએ આ રજૂઆત પ્રાપ્ત થયા બાદ તપાસ શરૂ કરી છે અને ફરિયાદની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. આ મામલે ધારાસભ્યના કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

સ્થાનિક લોકો આ મામલે ચિંતિત છે અને સરકાર તરફથી ઝડપી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ મામલે આગળની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે.

ઘટના ક્રમ- 2

અમારી સામે ખોટા આક્ષેપ કર્યાં છે – ચૈતર વસાવા

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, પલાસવાડા, કોલવાણ, સેલંબા, મોટા કાકડીઆંબા પંચાયતમાં થયેલા ગયા વર્ષે મનરેગાના કામોની વિજિલન્સ તપાસ થયા બાદ મટીરીયલના કામોના વર્ક ઓર્ડર મળવા જોઈએ. આ 4 પંચાયતના સરપંચો ધારાસભ્યના કામોના સ્થળ સ્થિતિ બદલી એમના લાગતા વળગતાને ત્યાં કામ કરે છે એનો અમારા લોકો વિરોધ કર્યો એટલે ખોટી રીતે આવેદનપત્ર આપ્યું છે.

ઘટના ક્રમ – 3

શું આ દરેક આક્ષેપો – પ્રતીક્ષોપો થયા બાદ “સરપંચ પતિ” કાયદા વિરુદ્ધ અનધિકૃત રીતે વહીવટ કરતાં પંચાયતોના મહીલા સરપંચ સામે ગુજરાત પંચાયત ધારો -૧૯૯૩ની કલમ-૫૭(૧) હેઠળ કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

મહીલા સરપંચના નામે પતિ વહીવટ કરતાંનું ચિત્ર સ્પષ્ટ થાય તો શું વહીવટી તંત્ર કલોલ તાલુકા વિકાસ અધિકારીની જેમ ફરજ બજાવે?

સરકારનો મહીલા સશક્તિકરણનો અભિગમને દબોચી દેતાં મહીલા સરપંચના પતિઓ, વહીવટીતંત્ર જાણતું હોવા છતાં મૌન કેમ?

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સરપંચોએ ડીડીઓ નર્મદાને રજુઆત કરી હતી કે, ધારાસભ્યના કાર્યકરો ગ્રામ પંચાયતના કામકાજમાં અનાવશ્યક દખલગીરી અને ધમકીઓ આપી મનસ્વી રીતે કામ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તે સંદર્ભે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે,અમારા કામોની સ્થળ સ્થિતિ બદલી સરપંચો લાગતાં વળગતાં ને ત્યાં કામ થાથ છે. એનો આમારા કાર્યકરો વિરોધ કરે છે. અને આવેદનપત્ર ખોટી રીતે આપ્યાનો આક્ષેપ લગાવ્યો છે. એટલે સાગબારા તાલુકામાં સરપંચો અને ધારાસભ્ય તથા કાર્યકરો વચ્ચે હોળી પહેલાં ધુળેટીનો રંગ ઉડાડવાનો દોર ચાલી રહ્યો છે.

સાગબારા તાલુકાના ૨૧ ગ્રામ પંચાયતના સરપંચોનું સહી સિક્કાવાળું સાગબારા તાલુકા સરપંચ યુનિયન તરફથી ધારાસભ્યના કામકાજ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશીને સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે આવૈદનપત્રમાં કરેલ ૨૧ સહીઓ પૈકી ૧૦ મહીલા સરપંચોની સહીઓ છે. પરંતું વાસ્તવમાં આવેદનપત્ર આપતી વખતે એકપણ મહીલા સરપંચ નજરે પડતી નથી. તેનો ખ્યાલ વહીવટીતંત્રને ખ્યાલ હોવો જોઈતો હતો. કેમ કે ખોટી રીતે આવેદનપત્ર આપવું એ પણ વહીવટીતંત્રને ગેરમાર્ગે દોરવણી કરવામાં આવી છે. અને આ ભૂલ સમજાતા ગુરુવારના રોજ મહિલા સરપંચ તાલુકા પંચાયત સાગબારા ખાતે તાલુકા વિકાસ અધિકારીની રૂબરૂમાં સહીંનું તથા ધારાસભ્યના કાર્યકરો દ્વારા આક્ષેપો અનુસાર કાર્ય થતું હોવાનું સત્યતાપણું દાખવ્યું હતું.

પણ આ દરેક બાબતોમાં ધ્યાન દોરવાનું કે, સરકાર ઘણાં સમયથી મહીલા સશક્તિકરણનો અભિગમ રાખી અભિયાન ચલાવે છે. તે અનુસંધાને મહીલાઓને આગળ લાવવાં સરકારે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં ૫૦% મહીલા અનામત દાખલ કરાતાં હાલમાં રાજ્યમાં ૬ હજાર મહીલા સરપંચો અને ૬૦,૦૦૦ મહીલા સભ્યો છે. પરંતુ હકીકતમાં મહીલા સરપંચ બનેલી બહેનોને સુધ્ધાં તેમના પતિઓ આગળ લાવવા માંગતા નથી. તો શું સરકારનો અભિગમ સફળ થશે? અને આ મહીલાઓના નામે તેમના પતિઓ વહીવટ કરતાં હોવાની રાજયના પંચાયત વિભાગને વારંવાર મળતી હોવા છતાં તેમની સામે કોઈ પગલાં નહી લેવાતાં મહીલા સરપંચના સ્થાને મહીલા પતિઓ વહીવટ કરવાનો ક્રેશ વધ્યો છે. પરંતુ કલોલ તાલુકા વિકાસ અધિકારીને આવી ફરિયાદો મળતાં જેને ગંભીરતાથી લઈ પરિપત્ર બહાર પાડી જણાવ્યું હતું કે, બિનઅધિકૃત વ્યક્તિઓ ગ્રામ પંચાયતનો વહીવટ કરતાં ધ્યાને આવશે તો આ બાબતે ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ-૫૭(૧) મુજબ જે-તે મહીલા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તેમજ જરુર જણાય તો ફોજદારી કાર્યવાહી કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતાં ગ્રામ પંચાયતનો વહીવટ કરતાં મહીલા સરપંચોના પતિદેવોમાં ફફડાટ મચી ગયો હતો. આ કલોલ TDOની જેમ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કે સાગબારા તાલુકા વિકાસ અધિકારી શું પહેલ કરશે કે કેમ? તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે.

ઘટના ક્રમ – 4

સાગબારા તાલુકાની મહિલા સરપંચો અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય વસાવાએ સાગબારા તાલુકાની સાત ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચોના પતિઓ વહીવટ ચલાવે છે અને ચેક આપવા માટે 10% કમિશન લે છે એવા આક્ષેપો કર્યા છે. આ આક્ષેપોથી નારાજ થયેલી મહિલા સરપંચોએ ધારાસભ્ય સામે મોરચો માંડ્યો છે અને માનહાનીનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે.

મહિલા સરપંચોનો વિરોધ

કોલવાણ, પલાસવાડા, સેલંબા, મહુપાડા, ભાદોડ, પાટ અને પાંચપીપરીની મહિલા સરપંચોએ સાગબારા ખાતે એકત્રિત થઈને ધારાસભ્ય વસાવાના આક્ષેપોનો સખત વિરોધ કર્યો છે. તેમણે સ્પષ્ણ કર્યું કે તેઓ જાતે જ ગ્રામસભા અને સામાન્ય સભાનો વહીવટ કરે છે અને તેમના પતિઓની કોઈ ભૂમિકા નથી. મહિલા સરપંચોએ ધારાસભ્ય વસાવાને ચેતવણી આપી છે કે જો તેઓ 10% કમિશન લેવાના આરોપની સાબિતી નહીં આપે તો તેમની સામે માનહાનીનો કેસ દાખલ કરવામાં આવશે.

મહિલા સરપંચોનો આક્ષેપ

મહિલા સરપંચોએ ધારાસભ્ય વસાવા પર તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય વસાવાએ તેમના પર ગેરવાજબી આક્ષેપો કરીને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. મહિલા સરપંચોએ ધારાસભ્ય સામે મોરચો માંડ્યો છે અને હવે જોવાનું રહ્યું છે કે ધારાસભ્ય વસાવા પોતાના આક્ષેપોની સાબિતી આપે છે કે પછી મહિલા સરપંચો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરે છે.

આગળની કાર્યવાહી

હવે જોવાનું રહ્યું છે કે ધારાસભ્ય વસાવા પોતાના આક્ષેપોની સાબિતી આપે છે કે પછી મહિલા સરપંચો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરે છે. આ વિવાદે સાગબારા તાલુકામાં રાજકીય અને સામાજિક ચર્ચાને જન્મ આપ્યો છે અને સ્થાનિક સ્તરે ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું છે.

Related Articles

Back to top button