બારડોલી વ્યારા હાઇવેને લગોલગ આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મોતના કુવા સમાન બની

બારડોલી-વ્યારા નેશનલ હાઈવે નંબર 53 પર ઈસરોલી તરફના સર્વિસ રોડને અડીને આવેલી ગટર લાઈનના ઢાંકણ તૂટી ગયા છે, જેના કારણે વાહન ચાલકો માટે જોખમ ઉભું થયું છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા યથાવત છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ગટર લાઈન રસ્તાની તદ્દન નજીક આવેલી છે અને લગભગ 15 ફૂટ જેટલી ખુલ્લી છે. જેના કારણે રાત્રિના સમયે કોઈ વાહન ચાલક આ ગટરમાં પડી જાય તો મોટો અકસ્માત થઈ શકે છે. ગટર લાઈન ખુલ્લી હોવાના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને રાત્રિના સમયે આ રસ્તા પરથી પસાર થવું ખૂબ જ જોખમી છે. સ્થાનિક લોકો ઈચ્છે છે કે હાઈવે ઓથોરિટી તાત્કાલિક આ સમસ્યાનું સમાધાન કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં જાનહાની ટાળી શકાય. હાઈવે ઓથોરિટી દ્વારા રોડના કિનારે આવતા આવા ગટર લાઈનનું સમારકામ કરવામાં આવતું ન હોવાથી વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.




