
નવરાત્રિની રાત્રે માંગરોળના મોટા બોરસરા ખાતેના સગીરાને ખેતરમાં ખેંચી જઈ સામૂહિક બળાત્કાર કરનારા બંને આરોપીઓને સેશન્સ કોર્ટ કસૂરવાર ઠેરવ્યા હતા. સરકારી વકીલ નયન સુખડવાલાએ કડક સજા અંગે દારદાર દલીલો કરી હતી. અને સોમવારે સજાનો હુકમ થશે એવી શક્યતાઓ સંધાય રહી છે.
આ કેસમાં કુલ 17 પુરાવા રજૂ થયા હતા. જેમાં એક ઓડિયો પ્લે કરાયો હતો જેમાં બનાવ બાદ આરોપીઓએ વહેલી સવારે શેઠને ફોન પર કહ્યું હતું કે “અમારાથી આવી ભૂલ થઈ છે અને રૂપિયા આપીને પણ અમને બચાવી લો.” વાતચીત દરમિયાન કૂકડો સતત 13 વાર કુકડે કૂ બોલ્યો હતો. આથી સરકારી વકીલે સાબિત કર્યું હતુ કે આ સવારનો સમય છે, પાછળથી પુરાવા ઉભા કરાયા નથી. આરોપીઓની વાતચીત એનો પુરાવો છે કે તેમણે આ ગુનો આચર્યો છે.
ઘટના ચિત્ર
માંગરોળ તાલુકાના કોસંબા પોલીસની હદમાં મોટા બોરસરા ગામમાં તા. 8 ઓકટોબર, 2024ના રોજ યુવક અને 17 વર્ષીય સગીરા રસ્તાની બાજુમાં એકાંતમા ઊભા હતા ત્યારે આરોપીઓ પૈકી 40 વર્ષીય મુન્ના કરબલી પાસવાન અને 45 વર્ષીય શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસીયા ત્યાં આવ્યા હતા અને અહીં કેમ ઊભા છો કહી આરોપીઓએ સગીરાના ગળામાંથી ચેઇન તોડી નાંખી, બંનેના ફોન લુંટી યુવકને માર માર્યો હતો અને સગીરાને ખેતરમાં ખેંચી ગયા હતા, જયાં એક આરોપીએ સગીરાને પકડી રાખી અન્યએ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અન્ય આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓ વીડિયો પણ ઉતાર્યો હતો. બનાવ બાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા, અને બાદમાં પોલીસે 20 જેટલી ટુકડી બનાવીને તમામને ઝડપી પાડયા હતા. આરોપી શિવશંકરનું ટ્રાયલ દરમિયાન મોત નિપજયુ હતુ. જ્યારે આરોપીઓ મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને કસૂરવાર ઠેરવ્યા હતા.
ચાર્જફ્રેમના 2 જ મહિનામાં કસૂરવાર આરોપીઓની ધરપકડ બાદ પોલીસે 16 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જફ્રેમ થયા બાદ 2 જ મહિનામા આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. દૈનિક કાર્યવાહી ચાલી હતી અને પીડિતાએ ઇન કેમેરા જુબાની આપી હતી.
સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલ હતી કે આ કેસમાં 3 પ્રકારની સજા સંભવ છે. કલમો મુજબ ભારતીય ન્યાય સંહિતા 70(2), ગેંગરેપ 115, ગેરકાયદેસર અટકાયદ-352, ધમકી, લૂંટ સહિતની કલમો લગાવવામાં આવી છે. આ કેસમાં એક 20 વર્ષની જે ઓછી છે, બીજી મરે ત્યાં સુધી આજીવન કેદ, જે મધ્યમ છે અને ફાંસી જે મહત્તમ છે. આરોપીનો ગુનો જોતા, જેવો ગુનો તેવી સજા કરવી જોઈએ. પીડિતાને 10 લાખનું વળતર આપવુ જોઇએ.




