વાંસદામાં યુવતીના આપઘાતનો મામલામાં R&B વિભાગના જુનિયર ક્લાર્કની ધરપકડ કરી પોલીસે જેલમાં ધકેલ્યો

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે એક યુવાનના છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેમાં યુવાન અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધ ધરાવતો હોવાની જાણ યુવતીને થતા યુગલ વચ્ચે લાંબા સમયથી આ વિષયને લઈને માથાકૂટ ચાલતી હતી. જેમાં એક મહિના અગાઉ યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું. જેને લઇ યુવતીના પિતાએ પોતાની દીકરીને મરવા પર મજબૂર કરનાર માર્ગ મકાન વિભાગના જુનિયર ક્લાર્ક યુવાન વિરુદ્ધ વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ધરપકડ કરી છે.
વાંસદા તાલુકાના એક ગામે રહેતી 24 વર્ષીય યુવતી સાથે માર્ગ અને મકાન વિભાગમાં કામ કરતા જુનિયર ક્લાર્ક હિમાંશુ પટેલના છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન હિમાંશુના અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધની જાણ નિલેશ્વરીને થતા બંને વચ્ચે આ પ્રકરણને લઈને માથાકૂટ થઈ હતી જેમાં તારીખ 8 સપ્ટેમ્બરના રોજ પરિવાર બહાર ગયો હોવાથી ઘરે એકલી રહેતી યુવતીએ પંખા પર ઓઢણી બાંધી ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું. દીકરીએ આત્મહત્યા કરતા પરિવારે તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો.
ઘટનાનો જાણ કઈ રીતે થઈ
આ બાદ યુવતીના ભાઇના મિત્રએ યુવતીના પ્રેમ સંબંધ અંગેની જાણ કરી હતી, જેથી પરિવારે દીકરીનો મોબાઇલ શોધી તેના મોબાઈલની વોટ્સએપ ચેટ તથા રેકોર્ડિંગ સાંભળ્યું હતું જેમાં હિમાંશુ પટેલે તેમની દીકરીને મરવા મજબૂર કરી હોય તેવું સાબિત થયું હતું. આ સમગ્ર વોટ્સએપ ચેટ અને મોબાઈલ રેકોર્ડિંગ સાથે પરિવારે વાંસદા પોલીસ મથક જઈ માર્ગ મકાન વિભાગના સરકારી કર્મચારી હિમાંશુ પટેલ વિરુદ્ધ દુષપ્રેરણા અંગેનો ગુનો નોંધવાની અરજી કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરના પગલા લીધા છે. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે.
ઘટના અંગે માહિતી આપતા વાંસદા PI એન.એમ.આહીર જણાવે છે કે, માર્ગ મકાન વિભાગમાં કામ કરતા જુનિયર ક્લાર્ક હિમાંશુ પટેલ વિરુદ્ધ મૃતક યુવતીના પરિવાર દ્વારા દુષપ્રેરણા અંગેની અરજી મળી હતી, જેના આધારે પ્રાથમિક તપાસમાં યુવાન યુવાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે કોટે તેને જેલ હવાલે કર્યો છે.




