
ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. હાલ ડેમમાં 6900 ક્યુસેક પરથી વહી રહ્યું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સુરત જિલ્લાના જળાશયો છલોછલ થઈ ગયા છે. ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. કાકરાપાર ડેમની કુલ 160 ફૂટ ઊંચી હાઇટ છે. હાલ ડેમ 161.10 ફૂટથી પાણી વહી રહ્યું છે. ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો કાકરાપાર ડેમ ઓવરફ્લો થઈ જતા માંડવી તાલુકાના ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. ત્યારે હાલ ડેમના નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોનો નજારો જોવા સ્થાનિકો બહોળી સંખ્યામાં આવી રહ્યાં છે. ત્યારે હાલ સિંચાઇના પાણી માટે હવે ખેડૂતોને વલખાં નહીં મારવા પડે તેવી સૌ કોઈને આશા બંધાઈ છે.
હાલ સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે
સુરત જિલ્લામાં ગતરોજ માંડવી, મહુવા, બારડોલી, પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણા વિસ્તારોમાં નદીના પાણી ગામમાં પ્રવેશી ગયા હતા. ત્યારે છેલ્લા 24 કલાકથી સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટી ગયું છે. જેને લઇને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.




