ઉચ્છલમાં યુવા કોંગેસના સભ્યો દ્વારા પ્રા. શાળામાં ઘટતાં ઓરડા તાત્કાલિક બનાવવા મામલતદારને આવેધન આપવામાં આવ્યું

સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ગણાતાં ઉચ્છલ તાલુકામાં સરકારના આદેશ મૂજબ ઓછાં બાળકો ધરાવતી શાળા નજીકની શાળામાં મર્જ કરી દેવામાં આવી હતી.જો કે નજીકની જે પ્રા. શાળામાં આ બાળકોને અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યાં છે ત્યાં પૂરતા ઓરડાની વ્યવસ્થા ન હોય બે ત્રણ ધોરણના બાળકો ને એક જ ઓરડામાં બેસાડવામાં આવી રહ્યાં છે. તાલુકામાં નુરાબાદ, સસા, જામલી, ધજ ,ભીતબુદ્રક ,હોલીપાડા વગેરે ગામડાંમાં જે વર્ગ શાળામાં બાળકોની સંખ્યા ઓછી હોય તેને નજીકની અન્ય શાળામાં મર્જ કરી દેવામાં આવી છે અને હવે બાળકો એ ફરજિયાત પ્રા.શિક્ષણ મેળવવા દૂર શાળામાં જવું પડી રહ્યું છે.જો કે આ ગામોમાં ચાલતી પ્રા.શાળાઓમાં અગાઉ થી જ ઓરડાની ઘટ હતી તેમાં વળી નજીકની વર્ગ શાળાના બાળકોને ત્યાં મોકલ્યા છે ત્યારે સ્થિતિ વધુ બગડી છે.આ શાળાઓમાં ઓરડાની ઘટ હોવાના કારણે એક એક ઓરડામાં બે થી ત્રણ ધોરણના બાળકો ને બેસાડી પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ આદિવાસી બાળક કેવું પ્રા.શિક્ષણ પામશે એ વિચારણીય પ્રશ્ન છે.આ બાબતે ઉચ્છલ તાલુકા યુવા કોંગેસના પ્રમુખ મધુર ગામીત અને તેમના સાથીઓ વિવેક પાડવી,વિરલ વસાવા,સંદીપ વસાવા, મહેશ વળવી અને અન્ય કોંગી કાર્યકરોએ ઉચ્છલ પોલીસ મથકથી મામલતદાર કચેરી સુધીની રેલી કાઢી એક આવેદનપત્ર સ્થાનિક મામલતદાર ને આપી પ્રા. શાળામાં ઘટતાં ઓરડા તાકીદે બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.આ બાબતે આગામી 30 દિવસમાં જો કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તો યુવક કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ઉચ્છલ તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા લેખિત પત્રમાં જણાવ્યાં અનુસાર ઉચ્છલ તાલુકાના જુદા જુદા ગામડાની પ્રા.શાળામાં ગત 2019-20 ના વર્ષે ઓરડા બનાવવા માટે ની ખાતમુહૂર્ત વિધિ થઈ હતી.એ સમયે ઉપસ્થિત રાજકીય નેતાઓ દ્વારા મોટા ભાષણ આપ્યા હતાં. પાંચ વર્ષ પછી પણ એ શાળામાં ઓરડા બની નથી શક્યાં એ શિક્ષણ વિભાગનો અંધેર કારભાર જ ગણી શકાય. તા.12/02/24 ના રોજ ડીડીઓ તાપી ને યુવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી ઓરડા બનાવવા માટે ની માંગ કરી હતી જો કે હજી પરિણામ શૂન્ય જ છે.




