રમતગમત

મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ બદલ્યા ટીમના કેપ્ટન

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીને મળી કમાન

છેલ્લા ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી ઘણી ચર્ચાઓમાં છે. કારણ છે કેપ્ટનોની અદલાબદલી. IPL 2024 માટે પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા. જે બાદ હવે સાઉથ આફ્રિકા T20 લીગમાં ફ્રેન્ચાઈઝીએ મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ કેપટાઉનના પ્રથમ કેપ્ટન રાશિદ ખાન હાલમાં ઈજાગ્રસ્ત છે અને તેમની તાજેતરમાં જ સર્જરી થઈ છે, જે બાદ રાશિદ ખાન સાઉથ આફ્રિકા ટી20 લીગની નવી સિઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં.

રાશિદ ખાનની કરાઈ છે સર્જરી

ઈજાગ્રસ્ત હોવાને કારણે આ વખતે અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિન બોલર રાશિદ ખાન બિગ બેશ લીગ પણ રમી શક્યા નથી. ભારત સાથેની ટી-20 સિરીઝ માટે પણ અફઘાનિસ્તાન ટીમમાં રાશિદ ખાનની પસંદગી કરવામાં આવી છે, પરંતુ આ સિરીઝમાં તેમના રમવા અંગે સસ્પેન્સ છે.

પોલાર્ડ બન્યા MI કેપટાઉનના નવા કેપ્ટન

દક્ષિણ આફ્રિકા T20 લીગની નવી સીઝન માટે ફ્રેન્ચાઇઝીએ મુંબઈ ઈન્ડિયન્સ કેપ ટાઉનના નવા કેપ્ટન વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને બનાવ્યા છે. આ પહેલા MI ફ્રેન્ચાઇઝીએ ILT20 માટે MI અમીરાતના કેપ્ટન પણ કિરોન પોલાર્ડને જ બનાવ્યા હતા. જે બાદ SA20 અને ILT20ની તારીખ લગભગ એક સાથે હોવાને કારણે પોલાર્ડની જગ્યાએ ILT20માં MI અમીરાતના નવા કેપ્ટન વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનને બનાવવામાં આવ્યા છે.

કિરોન પોલાર્ડ ILT20ના છેલ્લા તબક્કામાં MI અમીરાતની સાથે જોડાઈ શકશે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. પોલાર્ડ તાજેતરમાં જ અબુ ધાબી T10 લીગમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યા હતા, જ્યાં તેમની ટીમ ડેક્કન ગ્લેડીયેટર્સ સામે ફાઈનલમાં હારી ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button