કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીં 19 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજરે કેન્દ્રીય રેલવે મંત્રીને ફેક્ટરીની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.
ટ્રેનના ટ્રેક સ્લેબમાં જાપાનીઝ ટેક્નોલોજીનો ઉપયોગ
બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે. જેના પર ટ્રેનના પાટા ફીટ થતા હોય છે. આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ ચીવટથી બનાવવામાં આવે છે. કિમમાં આવેલી ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે. અહીં જાપાનની અદ્યતન શિંકનસેન ટેક્નિકનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા બેલાસ્ટલેસ ટ્રેક સ્લેબ બની રહ્યા છે.
પાંચ સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHRC) પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર (ગુજરાત અને દાદરાનગર હવેલી: 352 કિમી, મહારાષ્ટ્રઃ 156 કિમી) છે. જેમાં 12 સ્ટેશનો મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ, સાબરમતી બનાવવામાં આવશે. આ કોરિડોરમાં આવતી નદીઓ પર 13 પુલો બનશે, જેમાં વલસાડ જિલ્લાની પાર, કોલક અને ઔરંગા નદી, નવસારીની પૂર્ણા, મિંઢોળા, કાવેરી, ખરેરા, વેંગાણીયા અને અંબિકા, વડોદરાની ઢાઢર, ખેડાની વાત્રક, મોહર અને મેશ્વો નદી પર પૂલ બનશે. પાંચ સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
રેલવે કોરિડોર માટે દરરોજ 120 સ્લેબ તૈયાર
પ્રી-કાસ્ટ રિઈન્ફોર્સ્ડ કોંક્રિટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે 2200 મી.મી. પહોળા, 4900 મી.મી. લાંબા અને 190 મી.મી. જાડા હોય છે અને દરેક સ્લેબનું વજન લગભગ 3.9 ટન હોય છે. અહીં દરરોજ 120 સ્લેબ તૈયાર થાય છે. કુલ લક્ષ્યાંક 96 હજાર સ્લેબ તૈયાર કરવાનો છે. જેનાથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અને દાદરાનગર હવેલી (352 કિમી) માટે 237 કિલોમીટરના હાઈ સ્પીડ રેલ ટ્રેક માટે ટ્રેક સ્લેબ તૈયાર થશે.




