વાંસદાના કૂરેલિયા ગામે છાત્રાલયમાં પૂરતો સ્ટાફ નહીં હોવાથી અસુવિધાને લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર

વાંસદાના કૂરેલિયા ગામે આદિજાતિના બાળકો માટે સરકારી માધ્યમિક શાળા અને જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવેલા છાત્રાલયમાં પૂરતો સ્ટાફ નહીં હોવાથી અસુવિધાને લઈ વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. આ છાત્રાલયની પ્રતિનિધિએ મુલાકાત લેતા છાત્રાલયના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે છાત્રાલયમાં આવેલા શૌચાલયની સાફ સફાઈ પણ ધોરણ-9ના વિદ્યાર્થીઓ જાતે કરે છે.
વાંસદા તાલુકાના કુરેલિયા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળા અને શાળામાં અભ્યાસ કરતા અંદાજિત 113 વિદ્યાર્થીઓ માટે નજીકમાં લાખો રૂપિયાના ખર્ચે આદિજાતિના બાળકો માટે સરકારી છાત્રાલય બનાવ્યું છે. દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ છાત્રાલયની મુલાકાત લેતા છાત્રાલયમાં માત્ર વિદ્યાર્થીઓ મોજ મસ્તી કરતા નજરે પડ્યા હતા. વિદ્યાર્થીઓ નાહવા માટે બાથરૂમમાં પાણીનો મારો ચલાવી રહ્યાં હતા. બાળકો નાહતા સમયે લાઈટ બોર્ડમાં પાણી નાંખતા નજરે પડ્યા હતા. જ્યારે તેમની દેખરેખ માટે ત્યાં કોઈ કર્મચારી હાજર ન હતા.
પ્રતિનિધિએ શૌચાલય અને બાથરૂમની સાફસફાઈ કોણ કરે છે ? એમ પૂછતાં હાજર વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરે છે. શાળા અને છાત્રાલયમાં વ્યાપક પ્રમાણમાં ઘટ રસોઇયા-1, ક્લાર્ક-1, હેલ્પર-1, શિક્ષક 3 જેમાં મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, કોમર્સ જેવા શિક્ષકોની ઘટ અને પટાવાળા નથી, સફાઈ કર્મચારી નથી.
આમ આ સ્ટાફની ઘટ છે. રસોડુ ચેક કરવા જતાં ત્યાં તાળુ મારેલું હતું અને રસોઈયો સવારે 7.30 કલાકે રસોઈ બનાવીને ઘરે જતો રહે છે, નાસ્તામાં રોજ સેવ મમરા આપવામાં આવે છે એવું ત્યાં હાજર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં અભ્યાસ કરતા 113 છાત્રાઓને અભ્યાસઅર્થે તકલીફ વેઠવી પડે છે.




