બારડોલીના મઢી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીએ 8.88 લાખ મેટ્રિક ટન શેરડી પીલાણ સાથે સીઝન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

બારડોલી તાલુકાના મઢી ગામે આવેલ મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. દ્વારા 2024-25ના પીલાણ સીઝનનું કાર્ય 8.88 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ ઉપલબ્ધિ પર સંસ્થાના ચેરમેન અલ્પેશ પટેલ, સંચાલક મંડળ અને કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
સંસ્થાના વાઇસ ચેરમેન સમીર ભક્તે જણાવ્યું કે, “આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ સારી રિકવરી મળી છે, જે સંસ્થા અને ખેડૂતો માટે સંતોષજનક છે.” તેમણે સંચાલક મંડળ, કર્મચારીઓ, અધિકારીઓ અને મજૂર વર્ગના પરિશ્રમની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા.
સીઝનના સમાપન પ્રસંગે પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી, જેમાં ડિરેક્ટર નટુ રબારી, અતુલ નાયક, મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણે, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મજૂરો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ આ વર્ષે શેરડી પીલાણમાં ઉત્તમ ગુણવત્તા અને કાર્યક્ષમતા દર્શાવી ખેત-ઉદ્યોગ જગતમાં એક નવી ઉપલબ્ધિ ઉમેરી છે.




