ભરૂચમાં ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી
પ્રાંત અધિકારીને ચોલાદ ગામ અને વાગરાના સાયખાં-ભેરસમ માર્ગ પરથી 3.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી પર અંકુશ લગાવવા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ મોટી કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારીને ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામની માહિતી મળતાં તેમણે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. ચોલાદની સીમમાં અવાવરુ વિસ્તારમાંથી અંદાજે રૂ. 1.05 કરોડની કિંમતના ત્રણ પોકલેન મશીન જપ્ત કરી તાલુકા પોલીસને સોંપ્યા હતા.
આ ઉપરાંત, વાગરાના સાયખાં-ભેરસમ માર્ગ પરથી ગેરકાયદે રીતે માટી વહન કરતી છ હાઈવા ટ્રક પકડી પાડી હતી. જેમાંથી ત્રણ ટ્રક માટીથી ભરેલી અને ત્રણ ખાલી હતી. આ તમામ હાઈવાની કુલ કિંમત રૂ. 2.04 કરોડ છે. જપ્ત કરાયેલી ટ્રકો વાગરા પોલીસને સોંપવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા તંત્ર દ્વારા આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.




