દેવભૂમિ દ્વારકા

બેટ દ્વારકામાં પાંચમા દિવસે ડિમોલિશન યથાવત્

54 કરોડની સરકારી જમીન મુક્ત કરી, 9 ધાર્મિક દબાણો દૂર કરાવવામાં આવ્યા

બેટ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશન પાર્ટ-2 અંતર્ગત પાંચ દિવસમાં કુલ 54.45 કરોડની કિંમતની એક લાખથી વધુ ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

40 વર્ષ જૂના અનધિકૃત દબાણો હટાવવામાં આવ્યા

મંગળવારે ઓખામાં આવેલી દામજી જેટી પાસે 40 વર્ષ જૂના અનધિકૃત દબાણો હટાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાંથી 5650 ચોરસ મીટરના દબાણો દૂર કરાયા, જેની કિંમત આશરે 6.50 કરોડ આંકવામાં આવી છે. એક જ દિવસમાં 39 રહેણાંક, 7 કોમર્શિયલ અને 3 અન્ય મળી કુલ 49 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

26,332 ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

બુધવારે બેટના પાર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં 26,332 ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા, જેની કિંમત સવા સાત કરોડ જેટલી છે. છેલ્લા બે દિવસમાં જ વધુ 20 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. તંત્ર દ્વારા દબાણ કર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ જ દબાણ હટાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિક્ષકની સંયુક્ત ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

અનેક દબાણો 25 થી 40 વર્ષ જૂના: જવાબદાર કોણ..?

બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં એક સામાન્ય પ્રશ્ન ભારે ચર્ચામાં છે કે અનેક દબાણો અંદાજિત અઢીથી ચાર દાયકા જુના હતા. જેમાં નગરપાલિકાના નળ જોડાણ, વીજ જોડાણ વિગેરે પણ મળી ચૂક્યા હતા. તો આટલા વર્ષો સુધી સ્થાનિક તંત્ર શું ઊંઘતું રહ્યું? કે ભાગ બટાઈમાં સામેલ હતા? તેવો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા સુરક્ષા સાથે કામગીરી

સરકારના પરિપત્ર મુજબ નાના ગામમાં પણ જમીન દબાણ ન થાય અને સરકારી જમીનો અને ગૌચર બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી સ્થાનિક તલાટી મંત્રીની હોય છે. તો લાખો ચોરસ ફૂટ જગ્યા પર દબાણ કઈ રીતે શક્ય બને તે પણ વિચારવાનો વિષય છે. બેટ દ્વારકા પંથકમાં ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ દેખરેખ હેઠળ ચાલી રહી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. આ કામગીરીનું જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જેને ગૃહ રાજ્યમંત્રીએ પણ બિરદાવી છે.

દ્વારકા અને જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ

છેલ્લા પાંચ દિવસથી દ્વારકા અને જામનગર જિલ્લામાં અનધિકૃત દબાણ દૂર કરવાની ચાલી રહેલી કામગીરી સંદર્ભે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે હાલાર પંથકમાં વિશાળ દરિયા કિનારો આવેલો છે. ત્યારે અહીંના કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે સરકાર દ્વારા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામુદ્રિક અને આંતરિક સુરક્ષા માટે અતિ સંવેદનશીલ મનાતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ 51 અલગ અલગ જગ્યાએ લેન્ડિંગ પોઇન્ટ છે. બંને જિલ્લામાં 35 જેટલા ટાપુઓ સાથેની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સરકાર દ્વારા સઘન ઝુંબેશ આદરવામાં આવી છે. ટાપુનો વિસ્તાર સમગ્ર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોય અને અહીં દુશ્મન દેશની સીમાઓ પણ લગત આવેલી હોય, આ વિસ્તારની સુરક્ષાનું મહત્વ વધી જાય છે.

9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાવવામાં આવ્યા

જામનગર નજીકના પીરોટન ટાપુમાં બે દિવસ પૂર્વે 9 જેટલા ધાર્મિક દબાણો સરકાર દ્વારા દૂર કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 23 જેટલા ટાપુઓ ધરાવતા વિશાળ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત તારીખ 11 મી થી અનધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં તમામ ગેરકાયદેસર રહેણાંક અને ધાર્મિક દબાણો દૂર કરવા માટેની મેગા ડ્રાઈવ હાલ ચાલી રહી છે. જે મહત્વપૂર્ણ બની રહેશે.

ગેરકાયદેસર હેરાફેરીના ષડયંત્ર પણ ઝડપાઈ ચૂક્યા

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના સમયમાં વર્ષોમાં દુશ્મન દેશો દ્વારા આ માર્ગેથી જ ડ્રગ્સ, હથિયાર વગેરેની હેરાફેરી તેમજ ગેરકાયદેસર જાલી નોટો ઘુસાડવાના ષડયંત્ર પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે અહીંના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે હાલ આ ઝુંબેશ મહત્વની બની રહી છે તેમ રેન્જ આઈ.જી.એ વધુમાં ઉમેર્યું હતું.

દબાણ હટાવ અંગેનું મેગા ઓપરેશન થયું

બેટ દ્વારકામાં હાલ દબાણ હટાવ ઝુંબેશ અંતિમ ચરણમાં હોવાનું છે. ત્યારે હવે આગામી દિવસોમાં કોરિડોર પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોને અનુલક્ષીને દ્વારકા શહેર વિસ્તારમાં પણ દબાણ હટાવ અંગેનું મેગા ઓપરેશન શરૂ થાય તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હાલ આ સમગ્ર કાર્યવાહી ઐતિહાસિક અને રેકોર્ડ રૂપ બની રહી છે.

ભૂમાફિયાઓ સામે મોટી કાર્યવાહી

ઓપરેશન ડિમોલિશનના પાંચમા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. જેમાં બેટ દ્વારકા ખાતે દાંડીવાલા હનુમાન રોડ પરના પાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાક વિસ્તારોમાં રહેલાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદે દબાણો અને ભૂમાફિયાઓ સામે વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની છૂટ આપશે નહીં.

ગઈકાલે 5,650 ચો. મીટર જગ્યા ખુલ્લી કરાઈ

દ્વારકા વિસ્તારમાં ગેરકાયદે દબાણકર્તા ભૂમાફિયાઓ સામે તંત્રએ કમર કસી છે. ગઈકાલે જેટી વિસ્તારમાં સરકારી જમીન પર આશરે 40 વર્ષથી રહેલાં અનધિકૃત દબાણને હટાવવામાં આવ્યાં હતાં. આ જેટી પાસેના વિસ્તારમાં 5,650 સ્ક્વેર મીટર દબાણને હટાવવામાં આવ્યાં હતાં, જેની કિંમત આશરે 6.50 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે. કાર્યવાહી પૂર્વે તંત્ર દ્વારા જે-તે આસામીઓને ધોરણસર નોટિસો અપાયા બાદ દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી. મકરસંક્રાંતિ નિમિત્તે બેટ દ્વારકામાં ભક્તો, યાત્રાળુઓ માટે દર્શન અર્થે ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો.

સોમવારે આશરે 1,500 સ્ક્વેર જમીન ખુલ્લી કરાઈ

બેટના બાલાપર વિસ્તારમાં શનિવારથી પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતાં પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી રહેલા એક ધાર્મિક સ્થળ સંદર્ભે તંત્ર દ્વારા જુલાઈ 2023માં પ્રથમ નોટિસ બાદ જુલાઈ 2024માં રિમાઇન્ડર નોટિસ અને શનિવાર તારીખ 11 જાન્યુઆરીના રોજ ફાઈનલ નોટિસ આપવામાં આવી હતી, જેનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં આ અંગેના દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ ધાર્મિક સ્થળ સરકારી જગ્યા પર હોવાનું ખૂલવા પામ્યું હતું, જેથી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, જેની બજાર કિંમત રૂપિયા સવાત્રણ કરોડ ગણવામાં આવી રહી છે.

ડિમોલિશનમાં ધાર્મિક દબાણની બે સરકારી જમીન પર સરકારી બુલડોઝર ફર્યું હતું, જેમાં અંદાજિત રૂપિયા સવાત્રણ કરોડની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ પૂર્વે નિયમ મુજબ ત્રણ નોટિસ તેમજ લાગતાવળગતાઓ સાથે વાતચીત અને ડોક્યુમેન્ટેશન સંલગ્ન ચર્ચાવિચારણામાં જગ્યાની માલિકી સાબિત ન થઈ શકતાં આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીઓ ખડેપગે રહ્યાં

દબાણ હટાવ અંગેની આ સંપૂર્ણ કાર્યવાહીમાં દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેના સીધા માર્ગદર્શનમાં એસ.પી. નિતેશ પાંડેયના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. આજે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ઘટી ન હતી.

બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે મેગા ડિમોલિશન

આ સાથે તંત્રએ બેટ દ્વારકા રહેણાક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે રીતે બાંધવામાં આવેલાં કાચાં-પાકાં મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યાં હતાં. બેટ દ્વારકામાં સતત પાંચ દિવસથી મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન પોલીસ કાફલો પણ તંત્રની સાથે છે. ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાની હાજરીમાં એક SP, ત્રણ DySPના માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને SRPના જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

દબાણકર્તા તત્ત્વોમાં ભય સાથે દોડધામ

ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કર્યું અને અહીં ચકલું પણ ન ફરકે એવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં શનિવારથી શરૂ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણકર્તા તત્ત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી.

બેટ દ્વારકા વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત: એસ.પી. પાંડેય

આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસતંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી, ડ્રોન કેમેરાની મદદથી બાજનજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસતંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે. દબાણ હટાવ ઝુંબેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે એસઆરપી એમ. ટી.એફ.ના જવાનોને સ્ટેન્ડ ટુ રાખ્યામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારમાં કોઈ ઇસ્યુ ન થાય એ માટે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે, એમ પોલીસવડા દ્વારા વધુમાં જણાવાયું છે.

સાડાત્રણ લાખ ફૂટ જગ્યા પરનું દબાણ હટાવાયું

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર 2022 માસમાં બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં કોમર્શિયલ તેમજ અન્ય મળી કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં, જેમાં રૂ. 7.59 કરોડની કિંમતની આશરે સાડાત્રણ લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

Back to top button