સાપુતારા ચેકપોસ્ટ પર ટ્રકના પેનલમાં છુપાવેલો ₹12.34 લાખનો વિદેશી દારૂ જપ્ત

સાપુતારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહેલા એક ટ્રકમાંથી ₹12.34 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સાપુતારા પીઆઈ આર.એસ.પટેલની ટીમે ચેકપોસ્ટ પર Ashok Leyland કંપનીના ટ્રક (GJ 14 Z 1156)ની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ટ્રકના પેનલની નીચે બોલ્ટથી લગાવેલી લોખંડની પટ્ટી શંકાસ્પદ લાગતા તેને ખોલવામાં આવી, જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે દારૂ ઉપરાંત ₹15 લાખની કિંમતનો ટ્રક અને ₹6 હજારના બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સહિત કુલ ₹27.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસમાં અમરેલીના સાજીદભાઈ અબ્દુલભાઈ કુરેશી (40) અને રિયાઝ આરીફભાઈ કશિરી (28)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રીજો આરોપી અજય ઉર્ફે કાલ્યો (ગોવા) ફરાર છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરી રહી છે. સાપુતારા ચેકપોસ્ટ પરથી અવારનવાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે, પરંતુ પોલીસ તેમને નિષ્ફળ બનાવી રહી છે.




