બારડોલી

બારડોલી સુગર ફેક્ટરીની 69મી વાર્ષિક સાધારણ સભા મળી

ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની 69મી વાર્ષિક સાધારણ સભા કેદારેશ્વર મહાદેવ મંદિર હૉલ ખાતે યોજાઈ હતી. સંસ્થાના ઉપપ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાને એજન્ડાના તમામ કામો મંજૂર કરાયા હતા. સભાસદોએ મેન્ડેટ પ્રથાને લઈને જાહેર સભામાં વિરોધ નોંધાવ્યો હતો. સુગર ફેક્ટરીમાં ક્યારેય મેન્ડેટ પ્રથા સ્વીકાર્ય ન હોવાનું જણાવ્યુ હતું. તમામ સુગર ફેક્ટરીઓ ઓક્ટોબરથી રોપાણ શરૂ કરે તેવી માંગ કરી હતી.

આ માટે સંઘ લેવલે તમામ સુગર મિલો એક થાય તેમ સભાસદે રજૂઆત કરી હતી. ઓક્ટોબરથી રોપાણ કરવાથી વરસાદથી થતું નુકસાન ટાળી શકાય અને શેરડીનો ઉતાર પણ સારો આવી શકે છે. ખેડૂતોને વધુ રિકવરી આપતી જાતોની વાવણી કરવા માટે અપીલ કરી હતી. ગત વર્ષમાં સુગર ફેક્ટરીએ 14,76,459 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ 10.83 ટકા સાથે 16,01,750 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું. આગામી સિઝન માટે 50,125.10 એકરમાંથી શેરડીનો પુરવઠો મળશે.

21 મેગા વોટ કો-જનરેશન પાવર પ્રોજેકટ ફેઝ 1ની કાર્યવાહી પૂર્ણતાને આરે

ઉપપ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યુ હતું કે, મિલ મોર્ડનાઇઝેશન સાથે 21 મેગા વોટ કો-જનરેશન પાવર પ્રોજેકટ ફેઝ 1ની કાર્યવાહી પૂર્ણતાને આરે છે અને આગામી સિઝન થી તે કાર્યરત થઈ જશે. તેમણે કહ્યું કે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો હોય ઉદ્યોગ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે છતાં સરકારની અસરકારક નીતિને કારણે નાણાકીય તરલતા જળવાઈ રહેવાથી નાણાંભીડમાં રાહત રહી હોવાનું જણાવ્યુ હતું.

Related Articles

Back to top button