સોનગઢના નિશાણા ગામના દેવળ ફળિયામાં મીની પાણી પુરવઠા યોજનાની ટાંકી બંધ

સોનગઢના નિશાણા ગામના દેવળ ફળિયામાં આવેલી પાણી પુરવઠા વિભાગની મીની પાણી યોજનાની ટાંકી બંધ સ્થિતિમાં અને બિસમાર થઈ ગઈ હોવાથી બિનઉપયોગી થઈ ને પડી છે. ગ્રામજનોનાં જણાવ્યાં મૂજબ આવી મીની પાણી યોજના એટલે સરકારી નાણાં નો દુરુપયોગ જ છે. સોનગઢ તાલુકાના નિશાણા ગામના દેવળ ફળિયા વિસ્તારમાં સ્થાનિક લોકોને પીવાના પાણી અંગે મુશ્કેલી પડી રહી છે. આ સંદર્ભે ટીએસપી અને વાસમો જેવાં સરકારી તંત્ર દ્વારા આ ફળિયામાં અને ગામના અન્ય સ્થળોએ મીની પાણી પુરવઠા યોજના અન્વયે ટાંકી મૂકી મીની પાણી યોજના બનાવવામાં આવી હતી.
આ અન્વયે ફળિયામાં પાઇપ લાઈન કરી ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યાં હતાં અને નજીક જ પશુઓને પાણી પીવા માટે હવાડો પણ બનાવવામાં આવ્યો હતો. જે તે સમયે આ યોજના પાછળ અંદાજિત ચાર લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે એક વખત ટાંકી શરૂ કર્યા બાદ તંત્ર દ્વારા હાથ ખંખેરી લેવામાં આવે છે જેથી તેના રખ રખાવ નો પ્રશ્ન ઉભો થાય છે. જે સમયે ટાંકી ચાલુ કરવામાં આવે છે ત્યારે બોર પર મૂકવામાં આવતી મોટર સાવ તકલાદી અને હલકી કક્ષાની મૂકી કામ ચલાવી લેવામાં આવે છે. એ સાથે જ પાઇપ લાઈન અને એને લગતી કામગીરીમાં પણ નકરી વેઠ ઉતારવામાં આવતી હોય છે.
જેથી આવી યોજના શરૂ થાય એના થોડાં જ માસમાં મોટર ફૂંકાઈ જતી હોય છે અને એ પછી પાઇપ લાઈન તૂટી જતી હોય છે અને અંતે સમગ્ર પાણી યોજના બંધ પડી જતી હોય છે. નિશાણા ગામના દેવળ ફળિયામાં પણ આવી જ એક મીની પાણી પુરવઠા યોજનાની ટાંકી છેલ્લા ચારેક વર્ષ થી બંધ સ્થિતિમાં ઉભી છે એ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
એક તરફ ઉનાળામાં લોકો પાણી મેળવવા માટે મુશ્કેલી વેઠે છે જ્યારે બીજી તરફ આ ગામ તથા અન્ય ગામડાંમાં ફળિયે ફળિયે આવી ટાંકી યોજના બંધ પડેલી જોવા મળે છે. નિશાણા ગામમાં ઘણે ઠેકાણે હેંડપંપ પણ જમીનમાં ધસી જઈને બંધ પડેલાં જોવા મળે છે અને પાણી યોજના પણ બંધ સ્થિતિમાં માત્ર ગામની શોભા વધારતી ઉભી છે ત્યારે સરકારી તંત્ર દ્વારા બંધ પાણી યોજના શરૂ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવે તો ઉનાળામાં લોકોને પાણીની સમસ્યાનો ઓછો સામનો કરવો પડશે.




