નવસારી

પાણી પુરવઠાના કૌભાંડ મામલે ધારાસભ્ય અનંત પટેલે કહ્યું- નાની માછલીઓને પકડી, મગરમચ્છો ક્યારે પકડાશે?

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લામાં આચરવામાં આવેલા પાણી પુરવઠાના કરોડો રૂપિયાના કોભાડની ચર્ચા ચારેકોર ઉઠવા પામી છે. ત્યારે આ સમગ્ર કોભાંડને લઈને નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ પ્રશ્નાર્થ ઊભા કરી માત્ર અધિકારીઓને પકડવાથી કંઈ નહીં થાય મોટી માછલીઓ અને મગરમચ્છોને પણ પકડવામાં આવે. આ કૌભાડનો આંક 50 કરોડને પાર જવાની ધારાસભ્યએ શક્યતા વ્યકત કરી હતી.

વાંસદા કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે નવસારી જિલ્લામાં પાણી પુરવઠાના કૌભાંડને લઈને તપાસ એજન્સીઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરી આ કેસમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓને પકડવાની પણ માંગ કરી છે. અનંત પટેલ જણાવે છે કે વાસ્મો દ્વારા નલ સે જલ યોજના નવસારી જિલ્લામાં શરૂ કરવામાં આવી હતી. જેમાં દરેક ગામોમાં આ યોજના અધૂરી રહેવા પામી છે. આ યોજના વલસાડ, તાપી, ભરૂચ, નવસારી, સુરત સહિત દરેક જિલ્લામાં નિષ્ફળ થતી જોવા મળી છે.માત્ર કાગળ પર યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં 5 નહીં પરંતુ 50 કરોડથી વધુનું કોભાંડ થવાની આશંકા છે. માત્ર અધિકારીઓ જેવી નાની માછલીઓને પકડવાની વાત ભાજપના મોટા નેતાઓ કરી રહ્યા છે, પરંતુ મોટા મગરમચ્છ ક્યારે પકડાશે તે અંગે પ્રશ્નાર્થ છે.

શું છે સમગ્ર કૌભાંડ?

નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મુકી અને ખોટી હકીકતો ઉભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે. જે અંગે સુરત સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

14 લોકો સામે કૌભાંડની ફરિયાદ નોંધાઈ

નવસારી જિલ્લાના બીલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયું છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે. 9 કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે. જે અંગે સુરત સીઆઇડી ક્રાઈમમાં 14 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી. જેના આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી. સીઆઇડી ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120 બી, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13બી મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Back to top button