વ્યારાની દક્ષિણાપથ શાળામાં કલા મહાકુંભ 2024-25માં 2000થી વધુ કલાકારોનું પ્રતિભા પ્રદર્શન

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો પ્રારંભ થયો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ બે દિવસીય કલા મહાકુંભમાં જિલ્લાનાં સાતેય તાલુકામાંથી 2000થી વધુ કલાકારો ભાગ લઈ રહ્યા છે.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય મોહન કોકણીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર કલાકારોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ કલા કુંભમાં ગરબા, રાસ, ચિત્રકલા, સર્જનાત્મક કાર્ય, નિબંધ લેખન, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, કથ્થક, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, વક્તૃત્વ સ્પર્ધા અને કાવ્ય-ગઝલ લેખન સહિત 23 વિવિધ કલા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ, નિર્ણાયકો, શિક્ષકો અને મોટી સંખ્યામાં કલાકારો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



