ઉમરપાડા

ઉમરપાડામાં એક જ રાતમાં ત્રણ ખેતરમાંથી મોટર-કેબલની ચોરી

ઉમરપાડા તાલુકાના ચારણી ગામમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. એક જ રાતમાં ત્રણ ખેડૂતોના ખેતરમાંથી તસ્કરો ઇલેક્ટ્રીક મોટર અને કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે.

ભરતભાઈ સોનજીભાઈ વસાવાના ખેતરમાંથી મોહન નદી નજીક મૂકેલી ત્રણ એચપીની સેલોન કંપનીની મોટર અને 150 મીટર કેબલની ચોરી થઈ છે. આ ઉપરાંત, તેમની બાજુના ખેતરના માલિક મનસુખભાઈ ગીબાભાઈ વસાવાના 100 મીટર અને સુમનભાઈ ચંદુભાઈ વસાવાના 90 મીટર કેબલ વાયર પણ ચોરાયા છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ખેડૂતોને તેમના ઊભા પાકને પાણી આપવાની તાતી જરૂર છે. મોંઘવારીના આ સમયમાં નવી મોટર અને કેબલ ખરીદવું ખેડૂતો માટે આર્થિક રીતે મુશ્કેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં આવી ચોરીઓની ઘટનાઓ વધી રહી છે, જે ચિંતાનો વિષય છે.

ખેડૂતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને માંગ કરી છે કે પોલીસ તાત્કાલિક તસ્કરોને પકડી, ચોરાયેલો મુદ્દામાલ પરત અપાવે. પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતોનો પાક બચાવવો મોટો પડકાર બની ગયો છે.

Related Articles

Back to top button