નગરસેવકે રેશનિંગનો જથ્થો ક્યારે આવશે?, એમ કલેક્ટરને પૂછતાં; પુરવઠા અધિકારીએ કહ્યું- ‘ખાંડ-દાળનો જથ્થો આવતા મહિનાથી નિયમિત થશે’

નવસારી શહેરમાં સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ખાંડ અને દાળનો જથ્થો ગ્રાહક સુધી ન પહોંચતા ઉહાપોહ મચ્યો છે. જેને લઇ નગરપાલિકાના સેવક વિજયભાઇ રાઠોડે કલેકટરને લેખિત રજૂઆત કરી યોગ્ય જથ્થો લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા અને જો સરકારમાંથી અપૂરતો જથ્થો આવતો હોય તો તેને યોગ્ય કરવા તાકીદ કરી આવેદન પત્ર પાઠવ્યું છે.
નવસારીમાં સરકરી અનાજનો જથ્થો જ્યાંથી વિતરણ થાય છે તેવી સસ્તા અનાજની દુકાનમાં દુકાનમાં છેલ્લા કેટલાક દિવસથી ખાંડ અને દાળનો જથ્થો 50 ટકા જ આવ્યો હોવાથી તેનુ પૂરતા પ્રમાણમાં વિતરણ થઇ શક્યું નથી એવી બૂમ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો મોકલાવી રેશનકાર્ડધારકોને ખાંડ અને દાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળે તેવુ આયોજન કરવું જરૂરી છે. ખાસ કરીને ગરીબ અને વિધવા બહેનો આ જથ્થાથી વંચિત રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.રાજ્ય સરકાર અનાજનો જથ્થો સંસ્થા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં આપે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જેથી જો તેનુ પ્રમાણ ઓછુ હોય તો તેને યોગ્ય કરી આ જથ્થો પણ લોકો સુધી પૂરેપરો પહોંચે તેવી વ્યવસ્થા કરવા ઉલ્લેખ કરાયો છે.
રેશનીંગ દુકાન ધારક મહિલાઓ અને પુરુષો સાથે ગેરવર્તન વર્તન કરતા હોવાની પણ ફરિયાદ સામે આવી છે. જો જથ્થો ન હોય તે બીજી બાબત છે પરંતુ રેશનીંગ દુકાન ધારકો ગેરવર્તન ને લઈને પણ નગરસેવકને ફરિયાદ કરવામાં આવી છે. દશેરા ટેકરીમાં રહેતા કંચન પટેલ જણાવે છે કે અમને રેશનીગમાં ચારથી પાંચ આંટા મરાવ્યા છે અને ખાંડ અને દાળ આપી નથી અમે ગરીબ પરિવાર હોવાથી અમને પૈસા ખર્ચી વહેંચાતું લાવીને ખાવું પડી રહ્યું છે. અમને નગરસેવક વિજયભાઈને જાણ કરતાં તેમણે કલેકટરને આવેદન આપ્યું છે.
નગરસેવક વિજય રાઠોડ જણાવે છે કે લાંબા સમયથી રેશનીંગમાં ખાંડ અને દાળ મળતી નથી જેને કારણે વિધવા તેમજ ગરીબ પરિવારોને આટવાઓનો વારો આવ્યો છે સરકાર આ જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી અમારી માંગ છે. આ વિસ્તારના લોકો અવારનવાર મને આ મામલે ફરિયાદ કરે છે જેથી મેં અધિક કલેક્ટરને આ મામલે જાણ કરી છે કે જથ્થો ઉપલબ્ધ થાય સાથે જ રેશનીંગ દુકાન ધારકો પણ મહિલા પુરુષો સાથે ગેરવર્તન કરે છે તે યોગ્ય નથી. જિલ્લા પુરવઠા અધિકારી આર.સી પટેલ જણાવે છે કે આમ સમસ્યા સમગ્ર રાજ્યમાં છે દાળ અને ખાંડનો જથ્થો આવતા મહિનાથી રેગ્યુલર થઈ જશે જેથી કોઈ સમસ્યા નહીં આવે.




