જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.14મી ડિસેમ્બરે સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.14/12/2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં પેન્ડીંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો જેવા કે મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન (ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં), વૈવાહિક તકરારોના (છુટાછેડા સિવાયના) ફેમિલી કોર્ટના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 (ચેક બાઉન્સ), મજૂર તકરારના કેસો, ઈલેક્ટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા) જેવા ટાર્ગેટેડ કેસો માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો.
વધુમાં, સીસીટીવી કંટ્રોલરૂમ, સુરત ધ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માઘ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનીએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલીફોનીક માધ્યમથી ઈ-ચલણ ભરવા માટે લોકોને શિક્ષીત કરવામાં આવશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી, તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે.
રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતામાં અથવા તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરી પોતાનો કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકી શકશે તેમ જિ.કા. સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવ્યું છે.



