નવસારીના ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં સરકારી તિજોરીઓ છલકાય
ખનિજ ચોરીના 310 કેસ કરી 3.26 કરોડની દંડ વસૂલાત કરી

નવસારી જિલ્લામાં ગેરકાયદે માટીખનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગે રેડનો રેલો કરીને નાકે દમ લાવી વર્ષ-2023 અને 2024માં 310 કેસ કરી ભૂમાફિયા સામે 3.26 કરોડની વસૂલાત કરી ખનીજ ચોરી કરનારા ઉપર લગામ કસી છે.
છેલ્લા બે વર્ષમાં કુલ 159.28 કરોડની રોયલ્ટીની રકમ સરકારી તિજોરીમાં જમા થઈ છે. અને નવસારી કલેકટરના માર્ગદર્શન હેઠળ ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ નવસારીના અધિકારી અને સ્ટાફ દ્વારા વર્ષ 2023-24માં રૂ.102.65 કરોડ અને વર્ષ 2024 (ડિસેમ્બર-24 અંતિત) માં રૂ.57.63 કરોડની રોયલ્ટીની આવકમાં વસુલાત કરી સરકારની તિજોરીની આવકમાં વધારો કર્યો છે.
મળતી માહિતી મુજબ, બિનઅધિકૃત ખનિજ ખનન, વહન અને સંગ્રહ અન્વયે નવસારી જિલ્લામાં વર્ષ 2023-24માં કુલ 195 કેસમાં રૂ.2.15 કરોડ અને વર્ષ 2024-25 (ડિસેમ્બર-2024 અંતિત)માં કુલ 115 કેસમાં 1.11 કરોડની વસૂલાત કરવામાં આવી છે.
બ્લેક ટ્રેપ ખનીજની વધુ 20 ખાનગી માલિકીની અરજી આવી નવસારી જિલ્લામાં વર્ષ -2024-25માં બ્લેકટ્રેપ ખનીજની કુલ 20 ખાનગી માલિકીની ક્વોરી લીઝ અરજી આવી છે, જે મંજુર થતા સરકારના નવા નિયમ મુજબ ડબલ રોયલ્ટીના કારણે રોયલ્ટીની આવકમાં બમણો વધારો થશે.
નવી આઉટ પોસ્ટ ધોલાઈમાં પણ ખાણખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી નવસારી જિલ્લાના ધોલાઇ બંદરમાં મોબાઇલ આઉટપોસ્ટ (ચેકપોસ્ટ) ઉભી કરવામાં આવી છે, જે અન્વયે બિનઅધિકૃત ખનિજ વહન અંગે વર્ષ 2023-24માં કુલ 13 કેસ અને રૂ. 8.36લાખની વસુલાત કરવામાં આવી છે તેમજ વર્ષ 2024-25 (ડિસેમ્બર-24 અંતિત)માં કુલ 33 કેસ અને રૂ.14.73 લાખની વસૂલાત કરવામાં આવી હતી.




