
કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા કેસોનો સામનો કરવા અને ચૂંટણીમાં પક્ષ-પ્રચારનું નેતૃત્વ કરવા તેઓ સ્વદેશ આવશે
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે તેઓના ભાઈ નવાઝ શરીફ લાંબા સમયથી પડી રહેલા કોર્ટ કેસોનો સામનો કરવા અને આગામી સામાન્ય ચૂંટણીમાં પક્ષ પ્રચારનું નેતૃત્વ કરવા તેઓ આગામી મહિને સ્વદેશ પાછા ફરવાના છે.
નવાઝ શરીફ ૨૦૧૯ થી બ્રિટનમાં રહે છે. ૨૦૧૮માં અલ-અઝીઝીયા મિલ્સ અને સેવન ફીલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠરાવાયા હતા.
અલ-અઝીઝીયા મિલ્સ કેસમાં લાહોરની કોટ-લખપત જેલમાં તેઓ સાત વર્ષની સજા ભોગવી રહ્યા હતા. દરમિયાન સારવાર માટે ૨૦૧૯માં તેઓને લંડન જવાની પરવાનગી અપાઈ હતી.
ગુરૂવારે જિયો-ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં શહબાઝ શરીફે કહ્યું હતું કે, દેશમાં કાર્યવાહક સરકારનો પદભાર સંભાળ્યા પછી, તેઓ તેમના મોટાભાઈ નવાઝ શરીફને મળવા લંડન ગયા હતા.
નવાઝ શરીફ પાછા ક્યારે ફરશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ દર્શાવ્યા સિવાય શહબાઝ શરીફે કહ્યું હતું કે, તેઓ આગામી મહિને પાકિસ્તાન પાછા આવશે અને કોર્ટમાં રહેલા કેસોનો સામનો પણ કરશે. ઉપરાંત ચૂંટણી પ્રચારનું પણ કાર્ય સંભાળશે.
ઉલ્લેખનીય છે કે પોતાની સંપત્તિ છુપાવવાના આરોપસર ૨૦૧૬માં તેઓને આજીવન અયોગ્ય ઠરાવ્યા પછી નવાઝ શરીફે વડાપ્રધાન પદ છોડી દીધું હતું. દોષ-સિદ્ધી વિરુદ્ધ તેઓની અપીલ હજી કોર્ટમાં ઉભી જ છે.
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉપરાંત અન્ય પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઉપર પણ ફોજદારી કેસો થયા. ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી વડાપ્રધાન તરીકે તેઓને વિદેશોમાંથી મળેલી ભેટો તેમને કાયદેસર સરકારી તોયાખાનામાં જમા કરાવવી પડી હતી. પરંતુ પછીથી તેઓએ તદ્દન નજીવી કિંમતે મોઘીદાટ ભેટો ખરીદવાના આરોપસર તેમને નીચલી અદાલતે ૩ વર્ષની સજા કરી હતી તે પછી તેઓની પંજાબ પોલીસે તેઓના લાહોર સ્થિત આવાસમાંથી ધરપકડ કરી છે.
ટુંકમાં પાકિસ્તાનના બે વડાપ્રધાનો ઉપર ફોજદારી કાર્યવાહી ચાલી છે, તે સૌથી વધુ આશ્ચર્યજનક છે.




