જલાલપોરના મહુવર-મરોલી પંચાયતના સરપંચ-તલાટીને તળાવ ખોદકામ બાબતે TDO એ નોટીસ આપી

જલાલપોરના મહુવર-મરોલી પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા તળાવ ખોદકામ બાબતે મનસ્વીપણે કામગીરી કરતા આ બાબતે જાગૃત નાગરિક દ્વારા ટીડીઓને જાણ કરી હતી. તેઓએ સરપંચ અને તલાટીને નોટીસ આપી તળાવ ખોદકામના તેઓએ કરેલ તમામ કામ રદ કરવા આદેશ આપતા ખળભળાટ મચી ગયો છે.
મરોલીના જાગૃત નાગરિક ભાવેશભાઈ દ્વારા તળાવ ખોદકામ ગામ બાબતે જલાલપોર ટીડીઓને ફરિયાદ કરવામાં આવી કે હાલના સરપંચને તલાટી દ્વારા અગાઉની પંચાયતની બોડીમાં થયેલા ઠરાવો માન્ય નહીં રાખવા તેમજ હાલની બોડીમાં તળાવ ખોદકામ બાબતે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી કાયદેસરની પ્રક્રિયા કરવાની રહેશે તે બાબતે ઠરાવો કરાયા હતા. તેનું પાલન કરવામાં નહીં આવતા જલાલપોર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ ટીડીઓએ મહુવર મરોલી પંચાયતના તલાટી અને સરપંચને લેખિતમાં આદેશ આપી હવે પછીના કામો તેમના આદેશ મુજબ કરવામાં આવશે તેવી જાણ કરી હતી અને તેઓએ કરેલા તમામ ઠરાવ અને કામો રદ કરવા જણાવ્યું હતું.




