તસ્કરોએ કીમ યુનિયન બેંકમાં બાકોરું પાડી કટરથી ગ્રાહકોના લોકર તોડ્યા

કીમ ચોકડી પાસે સોમવારની મોડી રાત્રે યુનિયન બેંકની દિવાલમાં બાકોરુ પાડી ધૂમ સ્ટાઈલથી મોટી ચોરીને અંજામ આપતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. તસ્કરોએ લોકરો તોડી ઠંડે કલેજે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ચોરીની ઘટનાને લઇને પોલીસે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થઈ હોવાનું પોલીસે નોંધ્યું છે. આ આંક હજી વધી શકે તેમ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ઘટનાને પગલે બેંકના લોકર ધારકોના જીવ ઉંચાટમાં આવી ગયા છે. જિલ્લા પોલીસની ઉંઘ ઉડાડતી આ ઘટનામાં હવે સાત ટીમો બનાવીને તપાસની દિશામાં દોડતી કરાઈ છે.
માણસ ઘૂસી શકે તેવું મોટું ગોળ બાકોરૂં પાડ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલોદ ચોકી નજીક કીમ તરફ આવતા રોડ પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખા છે. સુરત સ્થિત મકાન માલીક દ્વારા બેંકની પાલોદ શાખાને જગ્યા ભાડે આપવામાં આવી છે. મકાન માલીકે બેંકની અન્ય એક રૂમ પણ રાખેલો છે. સોમવારે મોડી રાત્રે આ રૂમનો ફાયબરનો દરવાજો તોડી તસ્કરો ઘૂસ્યા હતા. રૂમ અને બેંક વચ્ચેની દિવાલમાં કટરથી માણસ જઈ શકે તેવું મોટું ગોળ બાકોરૂં પાડી બેંકના સેલ્ફ ડિપોઝીટ લોકરને નિશાન બનાવ્યા હતા.
SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
તસ્કરોએ 6 જેટલા લોકરોને તોડી તેમાંથી સોનાનાં ઘરેણા અને રોકડની ચોરી કરી હતી. વહેલી સવારે બેંકને આ બાબતની જાણ થતા કોસંબા પોલીસનો સંપર્ક કરાયો હતો. કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલાની ગંભીર સમજતાં સુરત જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી. એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરીનો ઘટસ્ફોટ
ચોરીની ઘટનાનો તાગ મેળવવાના પ્રયાસો હાથ ધરવા સાથે બેંક મેનેજરની ફરિયાદ અનુસંધાને તપાસના ચક્રો ઝડપભેર ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ પ્રાથમિક તપાસમાં 9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થઈ હોવાનું પોલીસ દ્વારા જાણવામાં આવ્યું છે.. આ આંક પણ શકે તેવી પૂરી શક્યતા છે.
પોલીસની સાત ટીમો તપાસમાં જોડાઈ
જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરનાં માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, કોસંબા, કીમ મળી કુલ 07 ટીમો તપાસમાં જોડાઈ છે. સુત્રોના કહેવા મુજબ, પ્રાથમિક તપાસમાં સિક્યુરીટી ગાર્ડ કે બેંકની આગળ પાછળ મુખ્ય પોઇન્ટો પર કેમેરા નહીં હોવાનો ગેરફાયદો તસ્કરોએ મેળવ્યો છે. પોલીસને બેંક પાછળની રૂમમાંથી ઠંડા પીણાની બોટલો, કાકડી, ગ્લાસ જેવી વસ્તુઓ મળી આવી છે. એ જોતાં આ ચોરી કોઈ ખૌફ વગર હડબડાટીમાં નહીં પણ બિન્દાસ્તપણે થઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.




