જંબુસરના SDM પર ટીંબી ગામના ખેડૂતોને દબાણ નિયમિત કરવા 300થી વધારે દિવસ ફાઇલ મૂકી રાખી ધક્કા ખવડાવવાનો આરોપ લાગ્યો

જંબુસર તાલુકાના ટીંબી ગામના ખેડૂતને દબાણ નિયમિત કરવા માટે 2 વર્ષથી સરકારી કચેરીઓના ધકકા ખાવા પડતાં હોવાની ઘટના સામે આવી છે.
બાકોર પોર ટીબી ગામના ઈસ્માઈલ હસન પટેલ વડીલો પાર્જિત ખેડાણ જમીન બ્લોક નંબર 42 જે અનઅધિકૃત રીતે જે તે સમયે સરકાર હસ્તક થયેલી હતી. ઇસ્માઈલ હસનના કુલ મુખ્તયાર રતિલાલ સોલંકીએ ભરૂચ કલેકટર તેમજ સરકારના અનેક ઠરાવોના આધારે સદર જમીન કબજા હકની રકમ લઇ દબાણ નિયમિત કરવા વડી ઓફિસે રજૂઆત કરી હતી.
જેના સંદર્ભમાં 17મી ઓકટોબર 2023ના રોજ જંબુસરની મામલતદાર કચેરીને તપાસ કરવા માટે કલેકટર કચેરી તરફથી આદેશ કરાયો હતો. 26મી ઓકટોબર 2023ના રોજ પ્રાંત અધિકારીને રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ ફાઇલને કોઈપણ હુકમ વિના 330 દિવસ તેમની ઓફિસે મનસ્વી રીતે મૂકી રાખી હોવાની ફરિયાદ અરજદારે કરી છે. અરજદારની મુખ્ય અરજી જરૂરી પુરાવા સાથેની તેમજ તે અરજીનો પૂરતો અભ્યાસ કર્યા વિના મહેસુલ વિભાગના સરકારના નિયમોનું ખોટુ અર્થઘટન કરી ફાઇલ અટકાવી રાખવામાં આવી હતી. અરજદારને બે વર્ષ સુધી સરકારી કચેરીઓએ ધકકા જ ખવડાવ્યાં હતાં. ખેડૂતે જંબુસરમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી એન. એમ.પટેલ ઉપર ગંભીર આરોપ લગાવતાં ફરી તપાસ મામલતદારને સોંપવામાં આવી હતી.
SDMના કૃત્ય સામે તેમણે 3 જાન્યુઆરી 2025ના રોજ ફરિયાદ કરી છે પણ આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ફરિયાદની તપાસમાં કામે અરજદાર અવારનવાર પૂછવા જતા કલેકટર ઓફિસના કર્મચારીઓ હજુ હમણાં જ તમે ફરિયાદ કરેલ છે ઉતાવળ શું છે થશે એવા જવાબો મળે છે. અરજદારે તપાસ કરવાની માંગણી કરી છે.




