વાલોડના દેગામામાં સરકારી જમીનની માટી બાબતે જિ. પં. સભ્ય અને આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ આમને સામને

વાલોડ તાલુકાના દેગામા ખાતે સરકારી જમીનમાંથી માટી ખનન કરવા બાબતે જિલ્લા પંચાયત સભ્યો અને સામે આદિવાસી ભારત આદિવાસી સંવિધાન સેનાના તાલુકા પ્રમુખ આમને સામને બોલાચાલી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હાલ સુધી સામ સામે પોલીસ ફરિયાદ અરજ થઈ છે.
દેગામા સર્વે નંબર 1188 વાળી જમીન સરકારી પડતર હોય જેથી તે જમીન પર માલિકી પણ સરકારની હોય છે અને આ જમીન પર કોઈ કબજો કે પ્રવેશ કરી શકે નહિ તેવું બોર્ડ પણ લગાવેલ હતું. સરકારી જમીન પરથી માટી ખનન કરાવવામાં આવી રહ્યું હતું.જેની જાણ સ્થાનિક યુવાનોને થતા,યુવાનો ત્યાં આવી પહોંચ્યા હતા.અને સરકારી જમીન પરથી માટી ખનન કરવા અંગે યુવકોએ હોબાળો મચાવ્યો હતો. આ દમિયાન જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્ર ગામીત સ્થળ પર આવી પહોંચતા તેમને આ બાબતે પૂછતા તેમણે ગામની માટી ગામમાં જ વાપરવામાં આવી રહી છે. આંગણવાડીનું કામ થઈ રહ્યું છે ત્યાં જ માટી પહોંચાડવામાં આવી રહી છે તેમ કહ્યું હતું. ત્યારે ગામના યુવકોએ જિલ્લા પંચાયતના સભ્યોને કહ્યું હતું કે, આંગણવાડીનું કામ એ કોન્ટ્રાક્ટરનું છે તેથી ત્યાં સરકારી જમીનમાંથી માટી લઈ જવું યોગ્ય નથી. જોકે આ બોલાચાલી પછીથી ઉગ્ર થઈ જતા યુવાનો તથા જિલ્લા પંચાયતના સભ્ય ભૂપેન્દ્ર ગામીતના પરિવારજનો વચ્ચેના બનાવના વિડિયો વાયરલ થયા હતા.
સરકારી જમીનમાંથી માટી ખનન કરવામાં આવતા સ્થાનિક યુવાનોએ નાયબ મામલતદારને પણ ટેલીફોનિક જાણ કરી હતી અને સરકારી જમીનમાંથી ગેરકાયદે માટે ખનન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ મામલતદાર દ્વારા પણ તલાટી ને આ માટી ખનન બંધ કરવા માટે જણાવ્યું હતું જે બાદ તલાટીએ આ માટી ખનન બંધ કરાવ્યું હતું જો કે સ્થળ પર તો કોઈ પણ અધિકારી આવ્યા ન હોવાનું કહેવાય રહ્યું છે. જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્ર ગામીત અને ગામના યુવા અને પ્રમુખ યોગેશ ગામીત વચ્ચે બોલા ચાલી થઈ હતી. જે બાબતે બંને પક્ષોએ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજ કરી છે હાલ કોઈ એફઆઇઆર થઈ નથી.
ભાજપના તાપી જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્ર ગામીતએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે,વર્ષોથી સર્વે નંબર 1188 વાળી જમીન પર ખોદકામ થતું આવેલ છે, ગામની વસ્તુ ગામમાં જ વાપરી શકાય એવો ઠરાવ તા.22/12/2019 ના રોજ છે. જેમાં સરકારની જે યોજનાઓ આવે છે,જેમાં આંગણવાડી હોય કે આરોગ્ય કેન્દ્ર હોય તેના માટે ગામની સંપત્તિ હોય એટલે કે માટે,કંકર ,રેતી હોય અને ગામની વસ્તુ ગામમાં જ રહે અને ગામમાં જ વપરાય તે માટે આ માટી ખનન કરીને આંગણવાડી બનાવવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવી છે.




