ગોડધાથી ગરમા ડુંગરી જતાં માર્ગ પર ગરનાળાની દિવાલ તૂટી જતાં રાહદારીઓને અકસ્માતની દહેશત

માંડવી તાલુકાના ગોડધા ગામે નહેર પરથી પસાર થતા માર્ગ પર બનાવવામાં આવેલ ગરનાળાની સુરક્ષા દિવાલ કેટલાક સમયથી ધરાશય થઈ જતા વાહન ચાલકો તથા રાહદારીઓને અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે. ગોડધા ગામમાંથી નીકળતી નહેર પર ઘણા વર્ષ પહેલાં ગરનાળું બનાવવામાં આવ્યું હતું અને ગરનાળાની બંને બાજુ સુરક્ષાની પાકી દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સમય પહેલા ગરનાળાની સુરક્ષા દિવાલ બેસી ગઈ હતી અને અડધા ગરનાળાની સુરક્ષા દિવાલ બેસી જતા માર્ગ અડીને જાણે મોટી ખાઈ પડી ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે ઉપરાંત ધોવાઈ ગયેલી સુરક્ષા દિવાલ નજીકનો માર્ગ પણ ધોવાઈ રહ્યો છે. આવા જોખમી બનેલા સ્થળે સલામતી સૂચક કોઈ બોર્ડ કે સાવચેતીના પગલાં રૂપે અન્ય કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી રાત્રિના અંધકારમાં કે દિવસે પણ અજાણ્યા વાહન ચાલક આ ખાઈમાં પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ જગ્યાને સાવધાનીના બોર્ડ અથવા કોઈ કામચલાઉ આડશ ઉભી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.




