બારડોલીનાં ખરવાસા ગામની આંતરિક લડાઈને લીધે સુમુલની પેટા ચૂંટણી બની હાઇ વૉલ્ટેજ ડ્રામા

આગામી 5મી ઓગસ્ટના રોજ સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજાશે. માત્ર એક વર્ષથી પણ ટૂંકાગાળાના પદ માટે ચૂંટણી લડવાની પડાપડીમાં માત્રને માત્ર બારડોલી તાલુકાનાં ખરવાસા ગામની આંતરિક લડાઈને કારણ માનવામાં આવી રહ્યું છે. જે ગામમાંથી સુગર ફેક્ટરીના પ્રમુખ રમણભાઈ સૂખાભાઈ પટેલ અને સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભિખાભાઈ ઝવેરભાઈ પટેલ આવે છે તે જ ગામમાં પડેલા બે જૂથને કારણે સમગ્ર તાલુકાનું સહકારી રાજકારણ ગરમાયું છે.
સુમુલની બારડોલી બેઠકમાં 2022માં એક કથિત વિડીયો વાઇરલ થયા બાદ તેમણે અજીત પટેલે રાજીનામું આપી દેતાં ખાલી પડી હતી. આ વિડીયો બાદથી ખરવાસા ગામમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ડિરેક્ટર દિપક પટેલ અને સુમુલ ડેરીના માજી ડિરેક્ટર અજિત પટેલ જૂથ વચ્ચે આંતરિક લડાઈ તેજ બની ગઈ હતી. જેની અસર બારડોલીની પેટા ચૂંટણીમાં જોવા મળી રહી છે. ફેબ્રુઆરીમાં જાહેર થયેલી પેટા ચૂંટણીમાં પણ આ બંને જૂથોની આંતરિક લડાઈને કારણે જ અજિત પટેલનું જૂથ હાઇકોર્ટમાં જતાં ચૂંટણી રદ થઈ હતી. તે સમયે ભાજપના ઉમેદવાર તરીકે દિપક પટેલને મેંડેટ અપાયું હતું.
પરંતુ તેમને જીતવાના ફાંફા પડે એમ હોય ચૂંટણી રદ થવાથી ભાજપે પણ રાહતનો શ્વાસ લીધો હતો. દરમ્યાન ફરીથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં મતદારયાદીમાં અજિત પટેલની સમર્થક મંડળીના નામો મતદારયાદીમાં નહીં આવતા વાંધા અરજી બાદ તેઓના નામ દાખલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિત જાણી ગયેલા ભાજપ મોવડીમંડળે દિપક પટેલને સાઈડટ્રેક કરી અજિત પટેલના સમર્થક જીતેન્દ્ર પટેલ (જીતુ બામણી)ને મેંડેટ આપ્યું છે. જો કે તેની સામે ભાજપના બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને બાલ્દા દૂધ મંડળીના પ્રતિનિધિ બિપિનચંદ્ર ચૌધરીએ ઉમેદવારી કરી છે. આમ ગામમાં ચાલતી લડાઈએ સમગ્ર ભાજપ સંગઠનને તો ગોથે ચઢાવ્યું છે.




