માંડવી સુગરને હરાજી કરી ખાનગી કંપનીને વેચી દેવાતા ખેડૂતોએ ફરી સુગર મીલ બહાર કર્યું પ્રદર્શન

એક તરફ ખેડૂત સભાસદોના શેરડીના ટ્રાન્સપોર્ટરોના મજુરોના કર્મચારીઓના કરોડો રૂપિયા ચૂકવવાના બાકી છે. જ્યારે બેંક દ્વારા માંડવી સુગરને હરાજી કરી ખાનગી કંપનીને વેચી દેવાતા ખેડૂત સભાસદો વિરોધ કરી રહ્યા છે.
માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર મીલ માંડવી તાલુકા તેમજ આજુબાજુના આદિવાસી તાલુકાઓ માટે જીવાદોરી સમાન છે. તેમજ સુરત જિલ્લા સિવાય નર્મદા જિલ્લા અને મહારાષ્ટ્રના ખેડૂતો પણ આ સુગર મિલને શેરડી આપી હતી. પરંતુ સંચાલકોની બેદરકારી અને અણઆવડત ને સાત વર્ષ પહેલા સુગર મિલને બંધ કરી દેવાની ફરજ પડી અને ખેડૂત સભાસદો સહિત તમામ લોકોના મહા મહેનતના પૈસા આ સુગરમાં ફસાઈ ગયા હતા.
સુગર મિલ બંધ થઈ ત્યારથી ખેડૂત સભાસદો,મજૂરો, કર્મચારીઓ ટ્રાન્સપોર્ટરો પોતાના પરસેવાની કમાણીના રૂપિયા માટે લડત લડી રહ્યા છે. આ સુગર મિલને સરકાર તરફથી પણ ફંડ ફાળવવામાં આવ્યું હતું. તેમજ બેંક દ્વારા પણ ફાઇનાન્સ કરવામાં આવ્યું હતું.મીલ બંધ થઈ જતા લોકોની ચિંતા કર્યા વગર બેંક દ્વારા સુગરની હરાજી કરે ખાનગી કંપનીને વેચી દેવામાં આવી છે.
છેલ્લા સાત વર્ષ ગરીબ લાચાર ખેડૂતો પોતાના પૈસા માટે સુગર મિલના ધક્કા ખાઈ રહ્યા છે. આજરોજ વધુ એક વાર માંડવી સુગર ખાતે ભેગા થયેલા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો આગામી દિવસોમાં તેઓની માંગ પૂરી નહીં થાય અને તેઓના પરસેવાના રૂપિયા પરત નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
તેમજ ખેડૂત સભાસદો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સુગરમિલની હરાજી કરવામાં પણ ભારે ગેર વહીવટ કરવામાં આવ્યો છે. જેટલી કિંમતમાં સુગરની હરાજી કરવામાં આવી તેટલી કિંમતમાં મશીનરી પણ આવે એમ નથી.




