બારડોલીના ઉતારા, વધાવા અને કરચકા ગામની નજીકમાં સુરતનો કચરો ઠલવાતા ગ્રામજનોમાં આક્રોશ

બારડોલી તાલુકાના ઉતારા, વધાવા અને કરચકા ગામની નજીકમાં સુરત શહેરમાંથી આવતો તીવ્ર દુર્ગંધ વાળો કચરો નાખવામાં આવી રહ્યો હોય ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારના રોષ ત્રણ ગામના લોકોએ બારડોલી એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું અને કચરો ઠાલવવાનું બંધ કરવાની માગ કરવામાં આવી હતી. જો તેમ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.
ઉતારા, વધાવા અને કરચકા ગામને અડીને આવેલ આફવા ગામની સીમમાં સુરતથી લાવવામાં આવતો દુર્ગંધયુક્ત કચરો ઠાલવવામાં આવતો હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. આ કચરાના કારણે ગામમાં દુર્ગંધ ફેલાઈ છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થઈ છે. ગ્રામજનોએ આ સમસ્યાના નિરાકરણ માટે બારડોલી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. આવેદનમાં ગ્રામજનોએ કચરો ઠાલવવાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આફવામાં પરવાનગીથી કચરો નંખાય છે
સુરતથી મોટા વાહનો દ્વારા રાત્રિના સમયે આ કચરો ઠાલવવામાં આવે છે. આ કારણે ગામના રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે. આ ઉપરાંત આ કચરાના કારણે ગામમાં દુર્ગંધ ફેલાવાથી રોગચાળો ફાટવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ કચરો આફવા ગામ પંચાયતની પરવાનગીથી ઠાલવવામાં આવી રહ્યો છે. પરંતુ આ કચરાના કારણે ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ કચરો આફવા ગામના પાદરમાં જ નાખવામાં આવે અન્ય ગામોને શા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે એમ ગ્રામજનોએ જણાવ્યુ હતું.




