ડાંગ

સુબીર તાલુકાની કેશબંધ પ્રાથમિક શાળામાં બાળકો પાસે રેતીના તગારા ઉંચકાવી મજૂરી કરાવતા ગ્રામજનોમાં રોષ

સુબીર તાલુકાનાં કેશબંધ પ્રાથમિક શાળાનાં આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળાનાં માસૂમ બાળકો પાસે રેતીનાં તગારા ઉંચકાવી બાળમજૂરી કરાવતા અનેક સવાલો ઉભા થયા છે. સુબીર તાલુકાના કેશબંધ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને પાવડા અને તગારા વડે રેતી માટી લેવા જવા અને ઉચકાવવુ જેવા ભારે કામ કરાવતું હોવાનું સામે આવ્યું છે. આદિવાસી વિસ્તારના બાળકોને ભણાવાને બદલે શારીરિક મજૂરી કરાવાની ઘટનાએ લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. શાળામાં પાથરેલી રેતીના ઢગલા સરખા કરવા સહિતની કામગીરી બાળકો પાસે કરાવાતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બાબતે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા “26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારી ચાલુ હોવાનું કહી લુલો બચાવ કરી રહ્યાં છે. પ્રશ્ન એ થાય છે કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે બાળકો પાસે મજૂરી કરાવવી કેટલી યોગ્ય છે ? વધુમાં જો શાળામાં જ બાળ મજૂરીને પ્રોત્સાહન અપાતું હોય તો અન્ય ક્ષેત્ર કે સ્થળને વાત શું કરવી ? વાલીઓ બાળકને શાળાએ અભ્યાસ માટે મોકલે છે અને ત્યાં બાળકો પાસે મજૂરી કરાવાય તે કેટલા અંશે યોગ્ય ? જેવા પ્રશ્નો પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

એક તરફ સરકાર દ્વારા બાળ મજુરી અટકાવવા અને શિક્ષણ તરફ બાળકો વળે તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે તેવામાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાય તે શરમજનક બાબત કહીં શકાય એમ છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી તાત્કાલિક ધોરણે જવાબદાર સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.

સુબીરના ટીપીઓને તપાસ કરવા જણાવ્યું

કેશબંધ પ્રા. શાળામાં બાળ મજૂરીની બાબત મારા ધ્યાનમાં આવી છે. જેને લઇને સુબીરના ટી.પી.ઓ.ને આ અંગે તપાસ કરવા જણાવ્યું છે. તપાસમાં આવી કોઈ ઘટના બની છે તેવું જણાય આવશે તો જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે કડક કાર્યવાહી કરાશે. – વિજયભાઇ દેશમુખ, પ્રા. શિક્ષણાધિકારી, ડાંગ જિલ્લો

Related Articles

Back to top button