ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદમાં થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા માંગ
જિલ્લા કલેક્ટરને સંબોધિને ચીટનીશને આવેદનપત્ર પાઠવ્યું

ડાંગ જિલ્લામાં સોમવારે એસ.યુ.સી.આઈ કોમ્યુનિટીસ્ટ ડાંગ જિલ્લા સંગઠન કમિટી દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને સંબોધીને જિલ્લા ચીટનીશને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં ડાંગ જિલ્લામાં નવેમ્બર મહિનાના અંતમાં ત્રણ-ચાર દિવસ સુધી ચોમાસાની માફક કમોસમી વરસાદ વરસતા ડાંગ જિલ્લાના મુખ્ય પાકો નાગલી, વરાઈ, અડદ તેમજ પશુઓના ઘાસચારાને વ્યાપક નુકસાની થઈ છે. નાગલીના પાક પર કમોસમી વરસાદ પડતા નાગલી કાળી થઈ ગઈ છે અને તે આરોગતા કડવી લાગે છે. જેના લીધે તે ખાવાલાયક રહેતી નથી તેમજ પશુઓનો ઘાસચારો પણ ભીંજાઈ જતા તે સડી જવાનો ભય રહેલો છે.
વ્યાપક નુકસાની થવા છતાં ડાંગ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી. આ અગાઉ 2019ના વર્ષમાં નુકસાની થતા ખેડૂતોને વળતર ચૂકવાયા હતા, જે બાદ 2020-21 અને 22માં થયેલા કમોસમી વરસાદમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારના વળતર ખેડૂતોને ચૂકવ્યા નથી તેમજ આ વર્ષે પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારના નુકસાનીના સર્વે હાથ ધરાયા નથી. જેના લીધે ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. આ બાબતોને દયાને લઇ તંત્ર દ્વારા વહેલી તકે નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.




