ઉમરપાડાના ઘાણાવડ ગામમાં જોખમી પુલ ઉપરથી આવન-જાવન કરવા લોકોમાં દહેશત
નિશાળ ફળિયાથી પટેલ ફળિયાને જોડતા માર્ગ ઉપર 40 વર્ષ પહેલા બનેલ પુલ જર્જરિત થતા નવો બનાવવા માંગ

સુરતના ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામે વર્ષો જુના જર્જરિત જોખમી પુલ પર મોટી દુર્ઘટના સર્જવાની દહેશત વ્યક્ત કરી લોકોએ તાત્કાલિક ધોરણે પુલના સમારકામની માગ કરી છે. ઉમરપાડાના ઘાણાવડ ગામના નિશાળ ફળિયાથી પટેલ ફળિયાને જોડતા માર્ગ ઉપર 40 વર્ષ પહેલાં પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં આ પુલ જર્જરીત અને જોખમી બની ગયો છે. લોકો અને વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને લોકોનો ભોગ લેવાય તેવી સ્થિતિનું નિર્માણ હાલ થયું છે. છતાં જવાબદાર પ્રતિનિધિઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી. તો શું મોટી દુર્ઘટના સર્જાયા પછી તેઓ કાર્યવાહી કરશે તેવો એક સવાલ ઉઠી રહ્યો છે.
આ બાબતે ગામના ઘાણાવડ યુવા કાર્યકર રાકેશભાઈ મગતીયાભાઈ વસાવા જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને સારા રસ્તા પુલની સુવિધા આપવાની જવાબદારી સરકારી તંત્રની છે. પરંતુ સરકારી તંત્ર દ્વારા ઊંડાણના ગામોમાં કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. કોઈક અનિચ્છનીય ઘટના બને તેના માટે પણ સરકારી તંત્ર જવાબદાર છે. ત્યારે સરકારના જે તે વિભાગના લાગતા વળગતા અધિકારીઓ અમારી ફરિયાદની ગંભીર નોંધ લઇ જોખમી પુલ બાબતે સ્થળ પર આવી લોક હિતમાં કાર્યવાહી કરે તે જરૂરી છે. તંત્રનું ધ્યાન દોરવાનો આ મારો પ્રયાસ છે આવનારા સમયમાં કોઈ કામગીરી નહીં થાય તો અમે સરકારમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરીશું.




