20 વર્ષ પછી ભારત લેશે ઓસ્ટ્રેલિયા સામે બદલો, પીએમ મોદી મહાજંગ જોવા અમદાવાદ આવશે

આઈસીસી વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ અગાઉ 20 વર્ષ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. હવે 20 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવા ઉતરશે. આ મહાજંગને જોવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવે તેવા સમાચાર વહેતા થયા છે.
વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રીકાને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આ બંન્ને ટીમો વચ્ચે 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેને નિહાળવા અને ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન અમદાવાદ જશે.
મળતી માહિતી મુજબ આ રોમાંચક મેગા મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ જશે. એવા સમાચાર પણ જાણવા મળ્યા છે કે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ મેચ જોવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આશા છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડેપ્યુટી પીએમ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શાનદાર મેચ નિહાળશે. જો કે, હજુ બંને સરકાર તરફથી આ કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. ત્યારે બીજી તરફ બે દિવસ અગાઉ ભારતીય ટીમના સેમી ફાઇનલમાં વિજય બાદ વડાપ્રધાન મોદીએ ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શાનદાર વિકેટો લેવા માટે શમીને ટેગ કરી પોતાના એક્સ (ટ્વીટર) એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હતી.
જણાવી દઈએ કે બે દિવસ અગાઉ જ ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં ટોસ જીતી પહેલી બેટિંગ કરતા ભારતે 397 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લીધી હતી. તેમજ કિંગ કોહલીએ પણ કમાલ બતાવ્યો હતો. તેમણે વન ડે માં 50મી સદી ફટકારી ક્રિકેટ ગોડ સચિન તેન્ડુલરનો વન ડેમાં 49 શતક બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો.
બીજી સેમી ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ગઈકાલે ગુરુવારે તા. 16 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડન ખાતે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.
હવે આ બંને ટીમો વચ્ચે રવિવારે તા. 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ મહામુકાબલાને નિહાળવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવા સમાચાર છે. આ અગાઉ 20 વર્ષ પહેલાં 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું.




