બારડોલીમાં અનાવલ પોલીસ સ્ટેશનનું મહેકમ ફાળવાય ગયું; પણ આજ દિન સુધી પોલીસ સ્ટેશન ના શરૂ થયું
જાણવા જોગ એ રહ્યું કે, શું બજેટ નથી? શું સ્ટાફ નથી? કે પછી.....

બારડોલી તાલુકામાં મઢી અને અનાવલ ખાતે નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. અનાવલ પોલીસ સ્ટેશન માટે તો મહેકમ પણ ફાળવી દેવામાં આવ્યું હતું, છતાં હજુ સુધી આ બંને સ્ટેશન શરૂ થયા નથી.
બારડોલી ગ્રામ્ય અને ઝંખવાવ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ મઢી અને અનાવલના નવા પોલીસ સ્ટેશનની માગ ઉઠી હતી. બે વર્ષ પહેલા મઢી અને અનાવલ પોલીસ સ્ટેશન માટે મંજૂરી મળી ગઈ હતી અને અનાવલ પોલીસ સ્ટેશન માટે તો મહેકમ પણ ફાળવી દેવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આ બંને સ્ટેશન શરૂ થયા નથી. બીજી તરફ જિલ્લાના લગભગ મોટા ભાગના પોલીસ મથકો પીઆઇ કક્ષાના કરી દેવામાં આવ્યા છે. મહુવામાંથી અનાવલ અને બારડોલી ગ્રામ્યમાંથી મઢી પોલીસ સ્ટેશન અલગ કરવા માટે સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હતી.
અનાવલમાં પી.આઈ. સહિત 71નું મહેકમ
ગૃહ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2023માં અનાવલમાં પોલીસ મથક શરૂ કરવા માટે એક બિનહથિયારી પોલીસ ઈન્સ્પેકટર, એક બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, 5 બિનહથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, 22 બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ, 38 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 2 હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, બે ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 71 મહેકમની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 17 જેટલા કર્મચારીઓની પદર ખર્ચે અનાવલ પોલીસ મથક ખાતે નિમણૂક કરવામાં આવી હતી. જો કે તેમ છતાં પોલીસ મથક શરૂ થઈ શક્યુ નથી.
પરંતુ આ કોકડું ક્યાં ગૂંચવાયું છે તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. બંને પોલીસ મથક અલગ થાય તો કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનવાની સાથે ગુનાખોરી પર પણ અંકુશ આવી શકે એમ છે.આ બંને વિસ્તાર મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાના વિધાન સભા વિસ્તારમાં આવે છે. તેમના દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન આપવા અને બંને પોલીસ સ્ટેશન વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.




