ઓલપાડના સાયણમાં મહિલા સરપંચ આપઘાત કેસમાં સપ્તાહ બાદ પણ આપઘાતનું કારણ સામે ન આવતા તપાસ સામે લોકોમાં સંદેહ

સાયણ ગ્રામ પંચાયતની સુખી સંપન્ન અને બાહોશ શિક્ષિત મહિલા સરપંચે અચાનક કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેવાની ઘટનામાં ઓલપાડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે ઘટના બન્યા એક અઠવાડિયા બાદ પણ ઓલપાડ પોલીસ કોઈ ઠોસ કામગીરી કરી શકી નથી. ત્યારે ઘટના બાબતે પોલીસની કામગીરીને લઈને પણ જાહેર જનતામાં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
સાયણ ગામની શિક્ષિત મહિલા સરપંચ જિજ્ઞાસા ઠક્કરે ગત ગુરુવારે બપોરના સમયે પોતાના ઘરે ઉપરના માળે આવેલા રૂમમા જઈને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેવાની હાઈપ્રોફાઈલ ઘટનાએ ચકચાર મચી છે. ત્યારે મહિલા સરપંચ આપઘાત ઘટના બની ત્યારથી રાજકીય દબાણ હેઠળ ઓલપાડ પોલીસ ઢીલી નીતિ કાયદેસરની કાર્યવાહી કરતી આવી છે. જિજ્ઞાષાબેન ઠક્કરે અચાનક આપઘાત કરી લેવાની ઘટનામાં કસૂરવારને સજા મળે અને તેમના બાળકોને ન્યાય મળે તે રીતે સત્તાધારી પક્ષ પ્રયત્ન કરવાને બદલે ઘટનાના સાચા કારણ ઉજાગર કરવાથી પોલીસને અટકાવી રહી હોવાની લોકોમાં ચર્ચા છે. એક અઠવાડિયા બાદ પણ પોલીસ કોઈ ઠોસ તપાસ કરી ન હોવાનું જાણવા મળેલ છે. પોલીસ એક માત્ર જીજ્ઞાશા ઠક્કર ની કામગીરી તથા તેને લગતી બાબતો પર તપાસ કરી રહી છે. બીજા પાસા ચકાસવામાં આવતા ન હોવાનો પણ ગણગણાટ છે.




