ડાંગમાં 76મા પ્રજાસત્તાક દિન સુબીરના નવજ્યોત હાઇસ્કૂલ ખાતે યોજાશે

ડાંગ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સુબીરના નવજ્યોત હાઇસ્કૂલ ખાતે યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર બી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કાજલ આંબલીયાના અધ્યક્ષસ્થાને આહવા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
પ્રાંત અધિકારી કાજલ આંબલીયાએ કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જેમાં કાર્યક્રમ સ્થળની ચકાસણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, પરેડ અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન સહિતની વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમણે પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સમેન્ટ અને મહાનુભાવોના આગમન જેવી બાબતો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લામાં તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ યોજાશે, જેમાં આહવા તાલુકાનો કાર્યક્રમ જાખાના ખાતે અને વઘઈ તાલુકાનો કાર્યક્રમ સરવર ખાતે યોજાશે. સુબીર ખાતે યોજાયેલા રિહર્સલમાં પોલીસ વિભાગની પરેડ, વિવિધ વિભાગોના ટેબ્લો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ રિહર્સલમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાંટ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામિત સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ, પોલીસકર્મીઓ, હોમગાર્ડ જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



