ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર સામે એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો

ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ સામે એક સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે વર્ષ 2022થી 2024 દરમિયાન પ્રિન્સિપાલે બે વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પ્રથમ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. પ્રિન્સિપાલે તેને ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું અને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. બીજી ઘટના ડિસેમ્બર 2024માં સ્કૂલના ગેટ ટુ ગેધર કાર્યક્રમ દરમિયાન બની હતી. આ દરમિયાન પ્રિન્સિપાલે પીડિતાને વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ મોકલ્યા હતા.
આખરે પીડિતાએ તેના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી, જેના આધારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો એક્ટ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. હાલમાં આરોપી પ્રિન્સિપાલ ફરાર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.




