વાલોડના નાલોઠા ગામે ગૌચરની જમીન પર આદર્શ નિવાસી શાળા બનાવવા સામે ગ્રામજનોનો વિરોધ

વાલોડના નાલોઠા ગામના રહીશોએ ગતરોજ સવારે મામલતદાર તેજલબેન પટેલને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે નાલોઠા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી મુકામે ખાતા નંબર 163, બ્લોક નંબર 14, શેત્રફળ 59400 ધરાવતી ગોચર જમીન આવેલ છે સદર જગ્યા સરકાર દ્વારા આદર્શ નિવાસી શાળા માટે ફાળવવામાં આવી છે.
જે બાબતે સદર જમીનના હક પત્રકે એક એકરની કુલ બે જગ્યાઓ ફાળવેલ છે અને સદર ફાળવણીની નોંધ હક પત્રકે ગામ નમૂનાનો નોંધ નંબર 1412 અને 1420 નંબરથી ડાઘાયેલ છે, ખરી રીતે સદર જગ્યા ગાય, ભેંસ જેવા પ્રાણીઓને ચરાવવા માટેની હોય સરકારના આદર્શ નિવાસી શાળા બનાવવાના નિર્ણયને ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. જે બાબતે ગામના સરપંચ વિજયભાઈ ચૌધરી અને અગ્રણી રંગાભાઇ ચૌધરીની આગેવાનીમાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. આજરોજ સવારે ગ્રામજનો મામલતદારને મળી રજૂઆતો કરી હતી.
મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે સદર જમીન અંગે તેઓ ઉચ્ચ અધિકારીઓને જણાવશે. ગ્રામજનોએ તેમનો રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગામમાં આદર્શ નિવાસી શાળાની માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તે ગૌચરની જમીન છે અને ગૌચરની જમીન ઉપર ગાય,ભેસ કે પશુપાલન કરનારાઓ પશુઓ ચરાવતા હોય. તેમની ગૌચર જમીન છીનવાઇ જશે, જેથી પશુપાલકોના હિત માટે અને પશુઓ માટે જગ્યામાં થયેલ નોંધ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી રજૂઆતો કરી હતી.
મામલતદાર તેજલબેન પટેલે રજૂઆત કરનારાઓને જણાવ્યું હતું કે સદર જમીનની ફાળવણી ગામના સરપંચના કે ગ્રામ પંચાયતની મંજૂરી અને ઠરાવથી જ કરવામાં આવે છે. અગાઉના વર્ષોમાં આ અંગેની કાર્યવાહી થઈ હોવી જોઈએ, જેને કારણે જમીનનો નિમ કરવામાં આવી છે.




