નવસારીમાં સસ્તા અનાજની દુકાનમાં જથ્થો પૂરો પાડવા કલેક્ટરને આવેદન

નવસારી શહેરમાં સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ખાંડ અને દાળનો જથ્થો ગ્રાહક સુધી ન પહોંચતા ઉહાપોહ મચ્યો છે. જેને લઇ નગરપાલિકાના સેવક વિજયભાઇ રાઠોડે કલેકટરને લેખિત રજૂઆત કરી યોગ્ય જથ્થો લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા અને જો સરકારમાંથી અપૂરતો જથ્થો આવતો હોય તો તેને યોગ્ય કરવા તાકીદ કરી આવેદન પત્ર પાઠવ્યું છે. નવસારીમાં સરકરી અનાજનો જથ્થો જ્યાંથી વિતરણ થાય છે તેવી સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા કેટલાક દિવસથી ખાંડ અને દાળનો જથ્થો 50 ટકા જ આવ્યો હોવાથી તેનુ પૂરતા પ્રમાણમાં વિતરણ થઇ શક્યું નથી એવી બૂમ ઉઠી છે.
રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો મોકલાવી રેશનકાર્ડ ધારકોને ખાંડ અને દાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળે તેવુ આયોજન કરવું જરૂરી છે. ખાસ કરીને ગરીબ અને વિધવા બહેનો આ જથ્થાથી વંચિત રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્ય સરકાર અનાજનો જથ્થો સંસ્થા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં આપે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. જેથી જો તેનુ પ્રમાણ ઓછુ હોય તો તેને યોગ્ય કરી આ જથ્થો પણ લોકો સુધી પૂરેપરો પહોંચે તેવી વ્યવસ્થા કરવા આવેદનમાં ઉલ્લેખ કરાયો છે.




