ડાંગ

ડાંગ જિલ્લા પં.ના શિક્ષણ સમિતિ હસ્તકની નિમપાડા અને ચિચધરા પ્રાથમિક શાળાના નવા ઓરડા તકલાદી બન્યા

ડાંગ જિલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓનાં નવા ઓરડાઓ તકલાદી બનતા ચોમાસામાં સ્લેબમાં વરસાદી પાણી લીકેજ થઈ જતા કરોડોના ખર્ચ બાદ પણ બાંધકામ નબળુ બની જતા આદિવાસી વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યાં છે.

ડાંગ જિલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિ હસ્તકની નિમપાડા અને ચિચધરા પ્રાથમિક શાળાનાં કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલ શાળાનાં ઓરડાઓમાં ઇજારદારે બાંધકામમાં ધારાધોરણ વિનાનું નિમ્ન કક્ષાનું મટિરિયલ વાપરતા ઓરડાનાં સ્લેબમાં ક્ષતિ રહી જતા વરસાદી પાણી ઓરડામાં ટપકતું હોય સરકારી કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ સુવિધાને બદલે દુવિધા ઉભી થઇ છે, કેમકે વર્ષો પહેલા લાકડા અને નળિયાની બનેલ શાળાઓ મજબૂત અને સુરક્ષિત હોય હાલ કરોડો રૂપિયાનાં આંધણ બાદ બનેલ પાકુ બાંધકામની શાળાઓનાં સ્લેબમાં પાણી લીકેજ થઈ જતા બિલ્ડીંગ નબળી બની જતા તેની મજબૂતાઈ સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે. સુબીર તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં નિમપાડા પ્રાથમિક શાળાનાં નવા બની રહેલા ઓરડાઓના તકલાદી બાંધકામ અંગે ગ્રામજનો દ્વારા જેતે સમયે સંબધિત અધિકારીઓને ધ્યાન દોરવા છતાં અધિકારીઓએ ઈજરાદાર સામે કોઈ નક્કર પગલા લીધા ન હતા. જેને પગલે કરોડોનાં ખર્ચ બાદ પણ બિલ્ડીંગનાં સ્લેબ અને બારી પાસે લીકેજ રહી જતા સરકારી કરોડોની ગ્રાંટ પાણીમાં ગઈ હોવાનો અહેસાસ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યાં છે. જૂન માસમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આદિવાસી ભૂલકાઓને સુબીરના બીલીઆંબા પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અન્ય નવી બનેલ શાળાઓમાં ઈ પ્રવેશ કરાવ્યો હતો, જેમા આહવાના બોરખલ પ્રા. શાળાની બિલ્ડીંગમાં વરસાદી પાણી ટપકવાની ફરિયાદ ઉઠી હતી. હવે સુબીરની નિમપાડા પ્રા. શાળાની બિલ્ડીંગમાં પણ લીકેજ રહી જતા બન્ને શાળાનું બાંધકામ એકજ એજન્સીનાં ઈજારદારે કર્યું હોવાનું જાણવા મળ્યું છે. નિમપાડા અને ચિચધરા પ્રા. શાળામાં ઈજારદારે બાંધકામમાં નકરી વેઠ ઉતારી ક્ષતિ રહી ગયેલ શાળામાં બાંધકામને પગલે ઘણી ક્ષતિઓ દેખાઇ રહી છે. { શાળાના બાંધકામમાં સિમેન્ટની જગ્યાએ ચુનો ચોપડ્યો.

ઇજારદારે ગેરરીતિ કરી હશે તો કડક કાર્યવાહી કરાશે નવા શાળાના ઓરડામાં સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, નિમપાડા અને ચિચધરા પ્રાથમિક શાળાના બાંધકામમાં ઇજારદારે કોઈ ગેરરીતિ કરી હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સર્વ શિક્ષા અભિયાનના ઈજનેરને તપાસ કરવાની સૂચના આપું છું. > બીબીબેન ચૌધરી, અધ્યક્ષ, શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, ડાંગ

Related Articles

Back to top button